ગાંધીનગરના વલાદ ગામમાં ચામુંડા માતાના મંદિરમાંથી માતાજીના આભૂષણો મળીને 28 હજારની મત્તા ચોરનાર ખેડાનાં બે ચોરને પૂર્વ બાતમીના આધારે બાઈક સાથે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ડભોડા પોલીસ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.
ગાંધીનગરનાં વલાદ ગામમાં ચામુંડા મંદિરે વિક્રમભાઈ રબારી સેવા પૂજા કરે છે. પરમ દિવસે સવારના સમયે નિત્યક્રમ મુજબ તેઓ મંદિરમાં સાફ સફાઇ કરીને સેવાપુજા કરીને ઘરે ગયા હતા આ દરમિયાન મંદિર ખુલ્લું હતું અને બે કલાકના સમયગાળા દરમ્યાન કોઇ તસ્કર મંદિરમાંથી ચાંદીના છતર અને પારણું મળીને 28 હજારની મત્તા ચોરીને પલાયન થઇ ગયો હતો.
આ અંગે વિક્રમભાઈની ફરિયાદના આધારે ડભોડા પોલીસ મથકના પીએસઆઇ અનિલ વછેટાએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સ્થળની વિઝિટ કરી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. જે અન્વયે બાતમી મળી હતી કે, મંદિરમાંથી ચાંદીના દાગીના ચોરી કરનાર ઇસમો લીમ્બડીયા કેનાલ હાઇવે રોડ ઉપરથી પ્રસાર થવાના છે.
જેનાં પગલે પોલીસ ટીમ લીમ્બડીયા કેનાલ રોડ ઉપર વોચમાં ગોઠવી દેવામાં આવી હતી. અને બે ઇસમોને મોટર સાયકલ સાથે કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ મનોજકુમાર ભારતસિંહ રાઠોડ (રહે.રવદાવત ગામ પોલીસ ચોકી પાછળ તા.કઠલાલ જી.ખેડા) તથા પ્રવિણ દિલીપસિંહ સોલંકી (રહે.અધ્રુજી ગામ ખોડીયાર માતાજીનો વાસ તા.કઠલાલ જી.ખેડા) હોવાનું જણાવી ઉપરોક્ત મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.