કોંગ્રેસમાં એક સમયે કોળી સમાજના નેતા-ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની આગામી વિધાનસભાની ચૂંટણીની ટિકિટ કાપવાનો તખતો તૈયાર થઇ ગયો છે. કોઇ રાજકીય ઇશારે કોળી સમાજમાં હાલના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત પટેલ અને કુંવરજી બાવળિયા વચ્ચે મનદુઃખ થઈ ગયું છે.
મનદુઃખ એટલી હદે વકર્યું છે કે બાવળિયા સમાધાન થઇ ગયું હોવાની બાબત જાહેર કર્યા પછી પણ કોઇ સમાધાન થયું ન હોવાનું અજીત પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. કુંવરજી બાવળિયા કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવતા હોવાથી તેમને ભાજપમાં લાવવામાં આવ્યા હતા,પર઼તુ ભાજપમાં આવ્યા પછી મંત્રી પદ ગયા પછી હવે ધારાસભ્ય પદ પણ છીનવાઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે અજીત પટેલ છે , અને તેમના પ્રમુખ પદને કોર્ટમાં પડકારાયું હોવાનું ખુદ કુંવરજી બાવળિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ પછી સી.કે.પીઠાવાલાના માધ્યમથી સમાધાન થઇ ગયું હોવાનું કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજની અજીત પટેલવાળી બોડી છે તેની સામે કોર્ટ કેસ કરવામાં આવ્યો છે તે પરત ખેંચી લેવાશે તેવી સહમતી સધાય છે. બીજી બાજું અજીત પટેલે કહ્યું હતું કે, આવી કોઇ મારે વાત થઇ નથી, મારે કોઇની સાથે ફોનથી આવી વાતચીત થઇ નથી. આમ એક બાજુ, સમાધાન અને બીજી બાજુ, ગજગ્રાહ ચાલતા સમગ્ર તખતો રાજકીયરીતે બાવળિયાને નબળા પાડીને તેમની આગામી વિધાનસભાની ચૂંટણીની ટિકિટ કાપવાનો હોવાનું બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.