નાની બચતના નામે છેતરપિંડી:રાજયના નાના વેપારી - શ્રમજીવીઓને રોકાણ કરાવી ઠગાઇ કરી નાસતા ફરતા બે ભાઈઓ ઝડપાયા

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ભાડેથી દુકાન રાખી નાના વેપારીઓ અને શ્રમજીવી લોકોને રિકરિંગનાં બહાને ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી ગાંધીનગર, વડોદરા અને મહેસાણામાં નોંધાયેલા છેતરપિંડીનાં ગુનામાં નાસતા ફરતા બે ભાઈઓને એસઓજીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર એસઓજીની ટીમને બાતમી મળી હતી કે માણસા સહિત અન્ય જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ હાલમાં તેમના એક સંબંધીના ઘરે આવ્યા છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમે છત્રસિંહ ગજેસિંહ સોલંકી તથા કમલસિંહ ગજેસિંહ સોલંકી (બંને રહે. સેકટર - 5/ બી, પ્લોટ નંબર - 1546/2) ને વોચ ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગે એસઓજીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બંને ભાઈઓએ છેલ્લા દોઢેક વર્ષથી ગાંધીનગર જિલ્લાના માણસા, મહેસાણાના ઊંઝા તેમજ વડોદરા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો સાથે છેતરપિંડી આચરી હતી. જેઓ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભાડાથી દુકાન રાખી વેપારીઓનો સંપર્ક કરી તેમને બચત કરેલી રકમનું રીકરીંગ ખાતું ખોલાવતા હતા.

તદુપરાંત છૂટક મજૂરી કરનાર શ્રમજીવીઓ પણ સંપર્ક કરી તેમને બચત કરેલી રકમનું રીકરીંગ ખાતું ખોલાવી ડેઇલી કલેક્શનની રકમ મેળવી તેમજ ફિક્સ ડિપોઝિટની રકમ ઉપર ખૂબ જ ઊંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લેતાં હતાં. અને તગડી રકમ લઈને અન્ય શહેરમાં ગુના આચરવા માટે દુકાન ભાડે રાખી લેતાં હતાં. હાલમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને આરોપીઓ સામે 2021 માં ગાંધીનગર જિલ્લાના માણસા, મહેસાણા જિલ્લાના ઉંઝા તેમજ વડોદરા જિલ્લાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. અગાઉ 2007માં ગાંધીનગર જિલ્લાના સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં છત્રસિંહ ગજેસિંહ સોલંકી પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...