માણસાના દેલવાડ ગામમાં વર્ષ - 2020માં ચોકમાં બાળકોને રમવાની બાબતે ઉશ્કેરાયેલા ઈસમે એક વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે કેસ ગાંધીનગરનાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સજા ભોગવવાનો હૂકમ કર્યો છે.
આ બનાવની ટૂંકી હકીકત જોઈએ તો વર્ષ - 2020માં માણસાના દેલવાડ ગામ ખાતે ફરિયાદીના ઘર પાસે આવેલ ચોકમાં બાળકો રમતા હતા. આથી કનુ મણિલાલ પરમાર બિભત્સ ગાળો બોલીને બાળકોને રમવાની ના પાડી રહ્યો હતો. જેથી હરિકૃષ્ણ જીવાભાઈએ નાના બાળકોને ગાળો નહીં બોલવા માટે કહ્યું હતું.
આ સાંભળીને કનુ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને છરી કાઢી હરિકૃષ્ણભાઈના પેટની ડાબી બાજુ તથા બાવડાના ભાગે તથા છાતીના ડાબા ભાગે એમ ત્રણ ધા ઝીંકી દીઘા હતા. આ હુમલામાં હરિકૃષ્ણભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમણે બૂમાબૂમ કરી મુકી હતી. જેમને છોડાવવા માટે તેમનો ભાઈ વચ્ચે પડ્યો હતો. જેને પણ કનુએ છરીના ઘા ઝીંકી શરીરે ગંભીર મરણતોલ ઇજાઓ પહોંચાડી હતી.
જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે.આર.શાહની કોર્ટમાં ચાલતા મહત્વના સાક્ષીઓ તેમજ ડોક્ટરની જુબાનીઓ લેવામાં આવી હતી. તથા કેસના અંતે સરકારી વકીલ જીગ્નેશ જોષીએ કરેલી દલીલો ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ- 307 ના ગુનામાં કસૂરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદની સજા તથા 3 હજારનો દંડ તેમજ જો દંડની રકમ ન ભરે તે વધુ 3 માસની કેદની સજા ઉપરાંત તથા ધી ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 ના ગુનામાં 6 માસની સજા તથા 500 રૂપીયાનો દંડ તેમજ જો દંડની રકમ ન ભરે તે વધુ 1 માસની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.