નવો કીમિયો નાકામ:ગાંધીનગરના ચંદ્રાલા નજીક સ્કૂટરની સાઈડ કારમાં દારૂની હેરાફેરી કરતાં બે બુટલેગર ઝડપાયા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપંગ હોવાનો લાભ ઉઠાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્લાન ઠગારો નિવડયો

ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ નજીક હિંમતનગર હાઇવે રોડ પરથી સાઈડ કાર વાળા સ્કૂટરમાં વિદેશી દારૂની 39 બોટલો ભરીને અમદાવાદ તરફ જતાં બે ઈસમોને ચીલોડા પોલીસે આબાદ રીતે ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂ. 16 હજાર 895નો મુદ્દામાલ જપ્ત કરી અપંગ હોવાનો લાભ ઉઠાવી વિદેશી દારૂની હેરફેર કરનાર બુટલેગરનો પ્લાન નિષ્ફળ બનાવી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ચીલોડા-હિંમતનગર હાઇવે બુટલેગરો માટે વિદેશી દારૂની હેરાફેરી માટેનો મોકળો માર્ગ હોવાથી પોલીસ દ્વારા અવારનવાર સઘન વાહન ચેકીંગ કરવામાં આવતું રહે છે. ચીલોડા પીઆઈ તરલ ભટ્ટની સૂચનાથી સ્ટાફના માણસો દ્વારા ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલ પાસે હિંમતનગર હાઇવે રોડ પરથી પસાર થતાં વાહનોનું એક પછી એક ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન એક સાઈડ કાર વાળા સ્કુટર પર બે ઈસમો અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. જેમાંથી એક ઈસમ અપંગ હતો. પરંતુ પોલીસને તેની વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવી હતી. જેથી અન્ય વાહનોની જેમ તેને પણ ઈશારો કરીને ઊભો રાખી દેવામાં આવ્યો હતો. પોલીસે બન્નેનું નામઠામ પૂછતાં તેમણે પોતાનાં નામ કાનજીભાઈ વાસીભાઈ દેસાઈ (રહે, બંગલો નંબર - સી /31, ફૂલ સ્ટોપ સોસાયટી, વિશ્વકર્મા પાસે, ચાંદખેડા) અને નરેશ ગણેશભાઈ ભરથરી (રહે. ભીલવાસ, માધુપુરા) હોવાનું જણાવ્યું હતું.

બાદમાં પોલીસે સાઈડ કારમાં પ્લાસ્ટિકની થેલીમાં પડેલાં સામાન વિશે પૂછતાં બંનેને પસીનો છૂટી ગયો હતો. જે કોથળી ચેક કરતાં અંદર વિદેશી દારૂની 39 બોટલો મળી આવી હતી. જેનો બન્ને જણા સંતોષજનક જવાબ આપી શક્યાં ન હતાં. જેનાં પગલે પોલીસે વિદેશી દારૃની બોટલો તેમજ સ્કૂટર મળીને કુલ રૂ. 16 હજાર 895 નો મુદ્દામાલ જપ્ત કરી બન્નેની ધરપકડ કરી લીધી હતી. આ અંગે પીઆઈ ભટ્ટે જણાવ્યું હતું કે બે પૈકી કાનજી અપંગ છે. જેનો ફાયદો ઉઠાવી સાઈડ કારમાં વિદેશી દારૃ લઈને અમદાવાદ લઈ જતાં રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં છે. જેઓ કમીશન બેઝ પર દારૂની હેરાફેરી કરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...