તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં ગુજરાતને સૌથી મોટા બે પ્રોજેક્ટની ભેટ:એશિયાના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવે અને દેશના પ્રથમ અમદાવાદ-સ્ટેચ્યૂ ઓફ યુનિટી સી-પ્લેન પ્રોજેક્ટે ગુજરાતની કાયાપલટ કરી

ગાંધીનગર2 મહિનો પહેલા
2020ના વર્ષમાં ગુજરાતમાં બે મોટા પ્રોજેક્ટ પૂર્ણ થતાં ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
  • સી-પ્લેનમાં બેસી કેવડિયાથી અમદાવાદ માત્ર 50 મિનિટમાં પહોંચી શકાય છે
  • 24 ઓક્ટોબરના રોજ વડાપ્રધાને ગિરનાર ટેમ્પલ રોપવેનું ઇ-લોકાર્પણ કર્યું હતું
  • ગિરનાર ટેમ્પલ રોપવેમાં બેસી લોકો અંબાજી મંદિર માત્ર 8 મિનિટમાં પહોંચે છે

2020નું વર્ષ પૂરું થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. વિશ્વભરના લોકો 2021ના વર્ષને આવકારવા માટે ઉત્સાહિત છે, ત્યારે ગુજરાતમાં 2020ના વર્ષમાં સૌથી મોટા બે પ્રોજેક્ટ પૂર્ણ થયા અને સરકારે એને ખુલ્લા મૂક્યા. 31 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) સુધી દેશના પ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું તેમજ એશિયાના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવે પ્રોજેક્ટનું પણ 24 ઓક્ટોબરના રોજ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 2020ના વર્ષમાં આ બે પ્રોજેક્ટે ગુજરાતની કાયાપલટ કરી નાખી છે. આ બે પ્રોજેક્ટે દેશમાં જ નહીં, દુનિયામાં પણ ડંકો વગાડ્યો છે.

સી-પ્લેન 24 કલાકમાં ચાર ઉડાન ભરે છે, ટૂ ટાઈમ 3800 રૂપિયા ટિકિટ
આ ઉડાન યોજના અંતર્ગત રીજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થયેલી સી-પ્લેન સર્વિસની ફ્લાઈટનું ટૂ ટાઈમ ભાડું 3800 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી ઉડાન ભરે છે અને સી-પ્લેનમાં 2 પાઇલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ રહે છે. ટેક્નિકલ ખામીને કારણે સી-પ્લેન સર્વિસ બંધ રહી હતી, પરંતુ 30 ડિસેમ્બરથી આ સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે.

સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદઘાટન 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદઘાટન 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતા સી-પ્લેનની વિશેષતા
ટ્વિન-ઓટ્ટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે. 1419 લિટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે. મહત્તમ 5170 કિ.ગ્રા. વજન સાથે ઊડી શકે છે. સી-પ્લેન 15.77 મીટર (51 ફૂટ) લાંબું અને 5.94 મીટર (19 ફૂટ) ઊંચું છે. સી-પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇનવાળાં બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક 272 કિ.ગ્રા. બળતણની ખપત થાય છે. સી-પ્લેનની ડાબી બાજુ 1.27 * 1.45 મીટરનો દરવાજો આવેલો છે. સી-પ્લેન 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે. સી-પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી તદ્દન જુદું પડે છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે, આથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાઇલટ માટે લેન્ડિંગ અને ટેક-ઓફ એ મુખ્ય કામગીરી રહે છે.

ટ્વિન-ઓટ્ટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે.
ટ્વિન-ઓટ્ટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે.

15000 કિલો વજન ધરાવતા એન્કર નાખવામાં આવ્યા છે
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી ગોઠવ્યા પછી વે-બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેના પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થઇને સી-પ્લેનમાં બેઠા હતા. આ બ્રિજને UAEથી મુંદ્રા બંદરે લાવીને ત્યાંથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પાસે જેટી લગાવવામાં આવી છે. આ સ્થળે 15000 કિલોગ્રામના એન્કર નાખવામાં આવ્યા હતા. એક જેટી 9 મીટર પહોળી અને 24 મીટર લાંબી છે. તમામ જેટીનું વજન 102 ટન છે. ફિનલેન્ડની મરીન ટેક ઇન્ડિયા કંપની સી-પ્લેન તૈયાર કરી રહી છે. આ સ્થળે કુલ આઠ જેટી લાવવામાં આવી છે. આ વ્યવસ્થા કાયમી જાળવવામાં આવશે.

બીજા વિશ્વયુદ્ધમાં નવા એરપોર્ટ બનાવવાનો ખર્ચ સી-પ્લેનને કારણે બચ્યો હતો
બીજા વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો બહોળો ઉપયોગ થયો હતો. સી-પ્લેનનો સૌથી મોટો ફાયદો એ હતો કે એના માટે એરપોર્ટની જરૂર ન હતી અને યુદ્ધ દરમિયાન નવા એરપોર્ટ બનાવવાનો ખર્ચો પણ બચતો હતો. જોકે બીજા વિશ્વયુદ્ધ બાદ પેસેન્જર પ્લેન અને એ માટેના એરપોર્ટમાં રોકાણ વધતાં સી-પ્લેનનું ચલણ ઘટતું ગયું હતું. ત્યાર બાદની નવી શોધ-તકનિકો અને એડવેન્ચર ટૂરિઝમ વધતાં સી-પ્લેનને ફરી સાંપ્રત બન્યું છે.

130 કરોડના ખર્ચે ગિરનાર ટેમ્પલ રોપવે 24 ઓક્ટોબરે ખુલ્લો મુકાયો હતો
એશિયાના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 ઓક્ટોબરના રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેમજ રોપવેમાં બેસી અંબાજી મંદિરે દર્શન કર્યાં હતાં. પગપાળા અંબાજી મંદિર સુધી પહોંચવા માટે અંદાજિત 4 કલાકનો સમય લાગે છે, જ્યારે રોપવેમાં માત્ર 8 મિનિટમાં પહોંચી શકાય છે.

ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ મોદીએ 24 ઓક્ટોબરના રોજ કર્યું હતું.
ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ મોદીએ 24 ઓક્ટોબરના રોજ કર્યું હતું.

હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ
હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થાય છે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે.

રોપવેમાં વપરાયેલી રોપ જર્મનીથી મગાવાઈ છે
ગિરનાર રોપવેમાં વાપરવામાં આવેલી રોપ જર્મનીથી મગાવવામાં આવી છે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકે છે. 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવવામાં આવ્યાં છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ રાખવામાં આવી છે. હાલ તો રોપવે પર 24 ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય ટ્રોલીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે છે. એક ફેરામાં 192 દર્શનાર્થી જઇ રહ્યા છે. દરેક ટ્રોલીની સ્પીડ પ્રતિ સેકન્ડ 5 મીટર છે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મીટર (36 સેકન્ડ) છે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકે છે.

રોપવે માટે 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે.
રોપવે માટે 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે.

ગિરનાર પર પવનની ગતિને ધ્યાનમાં રાખીને રોપવેની ડિઝાઇન બનાવાઈ
ગિરનાર પર્વતની ઊંચાઈ 3,500 ફૂટ છે. સર્વોચ્ચ શિખર 3,666 ફૂટ ઊંચું છે. અહીં પવનની ગતિ 180 કિ.મી. પ્રતિ કલાક રહે છે. એનો સામનો કરવા રોપવેની ડિઝાઇન એરોડાઇનેમિક બનાવાઇ છે. રોપવે માટે 9 ટાવર લગાવાયા છે. એમાંથી 6 નંબરનો ટાવર સૌથી ઊંચો (અંદાજે 67 મી.) છે, જે ગિરનારના છેલ્લા પગથિયાની નજીક છે. દરેક ટાવર વચ્ચે એમની ઊંચાઇ 7-8 માળ જેટલી રખાઈ છે.

અત્યારસુધીમાં 1.55 લાખ લોકોએ કરી સફર
કોરોના મહામારી વચ્ચે લોકડાઉન અને ઘરમાં લોકો પુરાઇ રહ્યા હતા. આ માહોલ વચ્ચે જૂનાગઢમાં સૌથી મોટો પ્રોજક્ટ શરૂ થયો હતો. પ્રોજેક્ટ શરૂ થતાં જ લોકો આનંદ અને ઉત્સાહ સાથે એની સફર કરી રહ્યા છે. રજાઓમાં ગુજરાતભરમાંથી લોકો અહીં આવી રહ્યા છે અને ગિરનાર રોપવેની સફરનો આનંદ ઉઠાવી રહ્યા છે. પ્રોજેક્ટ શરૂ થયાના આજસુધીના 1.55 લાખ લોકોએ રોપવેમાં બેસી અંબાજી સુધીની સફર કરી છે.

ભાડુંઃ મોટા માટેની ટૂ-વે ટિકિટ 700, બાળકો માટે 350 રૂપિયા
રોપવે માટે 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 છે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે.

લાંબી લડાઈ પછી સપનું સાકાર થયું
1968-69માં પોરબંદરનિવાસી ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતાએ આ માટે સૂચન કર્યું હતું. 1972 સુધીમાં આ યોજના પૂરી કરવાનું આયોજન હતું. 9.5 કરોડનો ખર્ચ અંદાજ આવ્યો હતો, પરંતુ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નહીં. 1983માં વન વિભાગે ઔપચારિક દરખાસ્ત કરી, પરંતુ ત્યારથી વનભૂમિના ડાઈવર્ઝન, ડોળીવાળાનો વિરોધ, જમીન સંપાદન, પર્યાવરણની મંજૂરી વગેરેને કારણે પ્રોજેક્ટ અટવાતો રહ્યો. હાઈકોર્ટ સુધી વાત પહોંચી. સપ્ટેમ્બર 2018માં પ્રોજેક્ટ શરૂ થયો. લોકડાઉનમાં પણ કામને અસર થઈ હતી. ગિરનાર પર્વત પર 9999 પગથિયાં છે. આ ચઢાણ દરમિયાન ત્રણ પડાવ આવે છે. પહેલા જૈન મંદિર આવે છે, પછી અંબાજીનું મંદિર આવે છે પછી ગોરખનાથ અને દત્તાત્રેય શિખર આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો