નશાના કારોબારના નેટવર્કનો પર્દાફાશ:ગાંધીનગર ગિફ્ટ સિટી બ્રિજ નજીકથી સવા કિલો ગાંજા સાથે બે ઝડપાયા, રાજસ્થાનથી ગાંજો લઈને વેચવા આવ્યા હતા

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનાં વલાદ ગિફ્ટ સિટી બ્રિજ નજીક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમીના આધારે બાઈક ઉપર જતાં બે ઈસમોને ઝડપી પાડી 1 કિલો 307 ગ્રામ ગાંજો, બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 76 હજારનો મુદામાલ જપ્ત કરી નશાનાં કારોબારનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં પીઆઈ વનરાજસિંહ દાદુભા વાળા સહિતની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, એક કાળા કલરની પલ્સર મોટર સાયકલ નં. GJ-01-VJ-7072 ઉપર બે ઇસમો ગાંજાનો જથ્થો લઈ મોટા ચિલોડાથી નેશનલ હાઇવે મારફતે નરોડા અમદાવાદ શહેર તરફ જનાર છે.જે બાતમીના પગલે એસઓજી ટીમે ગીફ્ટ સીટી- જેઠીપુરા બ્રીજના અમદાવાદ તરફના છેડે હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી. અને કલાકો સુધી કાગડોળે રાહ જોયા પછી બાતમી મુજબનાં બાઈક બે ઇસમોને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યા હતા.જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ ધર્મેન્દ્રકુમાર મનુભાઈ પ્રજાપતિ(રહે. પાર્શ્વ રેસિડેન્શિ મન નો એવ૧૦ પા” કૈસીડ ન્સી, પ્રથમ માળ, પંચ શ્લોક હોમ્સની બાજુમાં ત્રાગડ રોડ, ચાંદખેડા મૂળ. મહેસાણા) તેમજ આશિષ અશોકભાઈ(રહે. યશ એવન્યુ, આઇ.ઓ.સી. રોડ મૂળ ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

બાદમાં તેમની પાસેના થેલાની તલાશી લેતાં અંદરથી 1 કિલો 307 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે બંનેની કડકાઈથી પૂછતાંછ શરૂ કરતાં રાજસ્થાન બોર્ડર નજીક કોટડા ગામેથી એક અજાણ્યો ઈસમ આપી ગયો હતો તેમજ બંને ગાંજો પીવા તેમજ તેનું છૂટક વેપારમાં વેચાણ કરવા માટે લઈ આવ્યા હોવાની વધુમાં કબૂલાત કરી હતી. આ અંગે એસઓજીએ 1300 કિલો ગાંજાનો જથ્થો, બે મોબાઈલ ફોન, બાઈક સહિત કુલ રૂ. 76 હજારનો મુદામાલ જપ્ત કરી ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...