ગાંધીનગરના પીઢારડા ગામની સીમમાં આવેલા ફોરેસ્ટ વિભાગની જમીનની બાઉન્ડ્રીનાં 21 ફૂટ લંબાઈના લોખંડના દરવાજાની ચોરી થયાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકના ચોપડે દાખલ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધરી પૂર્વ બાતમીના આધારે ચોરીના ગુનાને અંજામ આપનાર ગામના બે યુવાનોની ધરપકડ કરી 20 હજારની કિંમતનો લોખંડનો દરવાજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં જંગલ ખાતાની આરક્ષિત જમીનની ફરતે વિભાગ દ્વારા બાઉન્ડ્રી કરીને લોખંડના દરવાજા ફીટ કરવામાં આવેલા હોય છે. જેથી કરીને કોઈ ઈસમ જંગલ ખાતાની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશી શકે નહીં. જે અન્વયે પીઢારડા ગામની સીમમાં આવેલ ફોરેસ્ટ વિભાગની બાઉન્ડ્રી પરથી થોડા દિવસ અગાઉ અજાણ્યા તસ્કરો 21 ફૂટ લંબાઈનો લોખંડનો દરવાજો જ ચોરીને ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી હતી.
આથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પેથાપુર પોલીસ મથકમાં લોખંડના દરવાજાની ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે લોખંડના દરવાજાની ચોરીની ફરિયાદ દાખલ થતાં લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સ્થળ વિઝિટ કરીને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. જેનાં પગલે એલસીબીના એ.એસ.આઈ દિનેશભાઈ દેવજીભાઈ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ મૂકેશસિંહ દલપતસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, 21 ફૂટ લાંબા લોખંડ દરવાજાની ચોરી પાછળ ગામના જ દિપકસિંહ ભગવતસિહ બિહોલા તેમજ મહેન્દ્ર રાજુજી ઠાકોર(બને રહે. પિઢારડા)નો હાથ છે.
આથી બંનેને ઉઠાવી લઈ કડકાઈથી પૂછતાંછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી ગામમાં બેઠા હતા. એ દરમ્યાન અવાવરુ જગ્યાએ લગાવવામાં આવેલો 21 ફૂટ મોટો લોખંડનો દરવાજો ચોરવાનો પ્લાન ઘડયો હતો. અને બંને જણા ઉક્ત જગ્યાએ જઈને દરવાજો ચોરી લીધો હતો. જો કે વજન વધુ હોવાથી તેને નજીકની ઝાડીમાં સંતાડી દીધો હતો. અને તેને ભંગારમાં વેચવાની ફીરાકમાં હતા. ત્યારે દરવાજો જેતે સ્થિતિ પડ્યો છે કે નહીં તેનું ધ્યાન રાખવા બંને જોવા માટે પણ જતાં રહેતાં હતાં. પરંતુ દરવાજો વેચવાનો મેળ પડે એ પહેલાં જ એલસીબીએ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.