કોણ બનશે સરપંચ?:ગાંધીનગરના દોલારાણા વાસણા ગામે મહિલા અનામત સીટ પરથી સરપંચ બનવા માટે છ મહિલાઓ વચ્ચે રસાકસીનો જંગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશરે 3800 મતદારો મતદાન કરીને મહિલા સરપંચની વરણી કરશે

ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં સરપંચની ચૂંટણી જીતવા ઉમેદવારો છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થયા હતા. ત્યારે દોલારાણા વાસણા ગામે મહિલા અનામત સીટ પર છ મહિલાઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવી ડોર ટુ ડોર પ્રચાર તેમજ રાત્રિ બેઠકો યોજીને જીતના દાવાઓ કરાઈ રહ્યા છે. જો કે સાચું ચિત્ર તો 21 મી ડિસેમ્બરના રોજ જ સ્પષ્ટ થવાનું છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો આડે રહ્યાં છે. ત્યારે જિલ્લાના આજુ બાજુ ગામમાં ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા ગામમાં 6 સરપંચના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે.

આ ગામમાં સામાન્ય મહિલા સીટ આપવામાં આવી છે ત્યારે મહિલાઓમાં પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે. ગામનાં મહિલા સરપંચનો તાજ જીતવા માટે રાજેશ્વરીબા કિરીટસિંહ રાઠોડ, ઇલાબા ઇન્દ્રસિંહ રાઠોડ, મીનાબેન મંગેશકુમાર ઠાકોર, રમીલાબેન રામાજી ઠાકોર,મનીષાબેન રાજેશકુમાર ભાવસાર અને નિષાબેન હર્ષદભાઈ પરમાર એમ છ મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે.

ગામમાં અનેક સમસ્યાઓ

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામની સમસ્યાઓમાં ગામમાં ગેસ લાઇન લાઈનના ખાડા પુરવામાં નથી આવ્યા. જેથી અકસ્માત થવાનો ભય રહેલો છે. જાહેર રસ્તાઓની સફાઈ નિયમિત કરવામાં આવતી નથી. ગ્રામજનો પાસે વેરો વસુલવામાં આવે છે પરંતુ સફાઈના નામે મીંડું છે. ગામમાં હાઈસ્કૂલમાં આવેલી છે પરંતુ પૂરતો સ્ટાફ નથી. ગામની નજીક ગેરકાયદેસર નદીમાંથી રેતી ખનન કરવામાં આવે છે. જેના કારણે ગામના 5 જેટલા લોકો ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. જેથી ગેરકાયદેસર ખનન બંધ કરવા સહિત તેમજ દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ થાય તેવી માંગ છે.

પ્રાથમિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં આવશે

વાસણા ગામના ઉમેદવાર રાજેશ્વરીબા કિરીટસિંહ રાઠોડે જણાવ્યું કે, સરકાર દ્વારા મહિલાઓને જે 50 ટકા સીટ આપી બહુ ઉમદા કર્યું છે અને મહિલાઓને પોતાની કાર્યશક્તિ દેખાડવાનો સરકાર દ્વારા એક નવતર પ્રયોગને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તેમણે જીતનો દાવો કરતા જણાવ્યું કે, વિજય બાદ સૌ પ્રથમ ગામની પ્રાથમિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે, રોડ, રસ્તા, તેમજ સરકારની યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, આયુષમાન કાર્ડ, જેવી યોજનાઓ મારા ગામના છેવાડા નાગરિકને મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ. ગામની પ્રાથમિકતા અને છેવાડા નાગરિકને સરકારની દરેક યોજનાઓ મળી રહે તે માટે સતત ખડેપગે રહીશ. હાલ અમે પ્રચાર સાથે ગામની સમસ્યાઓ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જીત બાદ પ્રથમ તે કામોને પ્રાધાન્ય આપી નિરાકરણ કરવામાં આવશે.

વાસણા ગામને સ્માર્ટ વીલેજ બનાવવાની ઈચ્છાઃ ઉમેદવાર

જ્યારે માત્ર એકવીસ વર્ષ અને ત્રણ મહિનાની સૌથી નાની વયે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવનારી નિશાબેન હર્ષદભાઈ પરમારે જણાવ્યું હતું કે, રોડ રસ્તા, ગટર, પાણીની સુવિધા તો સરકારની સહાયથી તમામ લોકો કરી શકે છે. પરંતુ મારે વાસણા ગામને સ્માર્ટ વીલેજ બનાવવાની ઈચ્છા છે. જેનાં માટે પહેલા તો વિધવા સહાય ફોર્મ, આવકના દાખલા વિગેરેની કામગીરીમાં ઝડપ લાવવી છે. સિનિયર સિટીઝન લોકોને પંચાયત કે ગાંધીનગર કોઈ પણ સહાય માટે જવું ન પડે, પણ સામેથી ઘરે જઈને કામગીરી કરીશું. પંચાયતની સેવાનો લાભ ઘરે બેઠા મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી છે. તેમજ હાલમાં પણ ગામના ગરીબ વિસ્તારમાં જરૂરી સુવિધા નથી. જેનાં માટે પણ કામગીરી કરવી છે.

ઉમેદવારોએ સરપંચ બનવા માટે એડીચોટીનું જોર લગાવ્યું

19 ડિસેમ્બરે ગાંધીનગર જિલ્લાના 157 ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે. જિલ્લાના ચારેય તાલુકાના ગામડામાં સરપંચ બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે દોલારાણા વાસણા ગામ ખાતે પણ ઉમેદવારો ગ્રામજનોને મળવા ઉપરાંત રાત્રી બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. દોલારાણા વાસણા ગામમાં 3800થી વધુ મતદારો 19મી તારીખે મતદાન કરી નવા સરપંચની વરણી કરશે. દોલારાણા વાસણા ગામના 6 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે કોણ વિજય તાજ પહેરશે તે 21 તારીખે પરિણામ જાહેર બાદ જ સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...