વિધાનસભામાં દારૂના પ્રશ્નમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક તડાફડી જામી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં ચૂંટણી વખતે ટ્રક ભરીને દારૂ ઠલવાય છે. જેની સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે ચૂંટણીમાં દારૂ ઉતારવાની પ્રથા કોણે શરૂ કરી પહેલા તેનો જવાબ આપો. દારૂ મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામી આક્ષેપબાજી થઇ હતી અને એકસમયે બંને પક્ષના સભ્યો સામસામા ઉભા થઇ જતાં માહોલ ગરમાયો હતો. અધ્યક્ષે બંને પક્ષના સભ્યોને ટકોર કરીને માંડ મામલો થાળે પાડ્યો હતો.
અધ્યક્ષે લોકોના મહત્ત્વના પ્રશ્નની ચર્ચા દરમિયાન રાજકારણ નહીં કરવા વારંવાર સૂચના આપવી પડી હતી. કોંગ્રેસના પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે દારૂ ગુજરાતમાં આવી ગયો છે કે પછી જાણી જોઈને આવવા દીધો છે તેની સ્પષ્ટતા થવી જોઇએ. જેની સામે હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં એક સમયે શું સ્થિતિ હતી, ચીમનભાઇ અને લતીફના સમયમાં શું હતું તેની વાત કરો.
રાજ્યમાં 2 વર્ષમાં 6413 કરોડનાે દારૂ પકડાયો
છેલ્લા બે વર્ષમાં 6413 કરોડ રૂપિયાનો દારૂ અને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો પકડવામાં આવ્યા છે. જેમાં 197 કરોડનો વિદેશી દારૂ છે. હજુ 3716 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.