વિચિત્ર અકસ્માત:કલોલ-મહેસાણા રોડ પર ટ્રક રોકી ડ્રાઇવર હેડ લાઈટ ચેક કરતો હતો, ડમ્પરે પાછળથી ટક્કર મારતાં ડ્રાઈવર પોતાની ટ્રક નીચે જ કચડાઈને મોતને ભેટ્યો

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકને ડમ્પરે પાછળથી ટક્કર મારતાં બંધ ટ્રક વીસ ફૂટ સુધી ઢસડાઈ હતી
  • કલોલ શહેર પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી

કલોલ-મહેસાણા રોડ પર આજે વહેલી સવારે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. પોતાની ટ્રકની હેડ લાઈટ બંધ થઈ જવાથી ડ્રાઇવર ટ્રક ઉભી રાખીને હેડ લાઈટ ચેક કરી રહ્યો હતો. એ જ દરમ્યાન પાછળથી એક ડમ્પરે ટ્રકને ટક્કર મારતાં બંધ ટ્રક વીસ ફૂટ સુધી ઢસડાઈ હતી. જેમાં ટ્રક ડ્રાઈવર પોતાની જ ટ્રકની નીચે કચડાઈ ગયો હતો જેથી તેનું મોત નિપજતા કલોલ શહેર પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઉવારસદ ગામના શંકરજી ઠાકોર, રામજીજી ઠાકોર અને બુધાજી ઠાકોર ઉવારસદથી રમેશજી પરથૂજી ઠાકોરની ટ્રકમાં ઈંટો ભરીને કડી તાલુકાના કેયલ ખાતે ઉતરવા માટે નીકળ્યા હતા. ત્યારે સિંદબાદ બ્રિજ ઉતરી સાઈડમાં આવેલ પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ ભરાવી મહેસાણા રોડ ઉપર થી પસાર થતાં હતાં.

આ દરમિયાન પોણા પાંચેક વાગ્યાના અરસામાં જય અંબે પેટ્રોલ પંપ પાસેના રોડ પર અચાનક ડ્રાઇવર સાઈડની હેડ લાઈટ બંધ થઈ ગઈ હતી. જેથી ડ્રાઇવર રમેશજી રોડની સાઈડમાં ટ્રક ઉભી રાખી નીચે ઉતરીને ટ્રકની હેડ લાઈટ ચેક કરી રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી ડમ્પરે ટ્રકને જોરદાર ધક્કો મારતા ટ્રક વીસેક ફૂટ સુધી ઢસડાઈ હતી.

બાદમાં ટ્રકની કેબિનમાં બેઠેલા શંકરજી ઠાકોર સહીતના લોકોએ નીચે ઉતરીને જોયું તો રમેશજી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન પડ્યા હતા. અને ડમ્પરનો ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો. આ અકસ્માતના પગલે ઈજાગ્રસ્ત રમેશજીને નજીકની ખાનગી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા. અહીં તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય પછી ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...