વહીવટી તંત્રમાં ફેરફાર:રાજ્યના 77 IAS અધિકારીની બદલી, અનેક કલેક્ટર, DDO, મ્યુનિસિપલ કમિશનર બદલાયા, શિક્ષણમાંથી અંજુ શર્માને હટાવાયાં

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો. - Divya Bhaskar
ફાઈલ ફોટો.
  • 10 દિવસ પહેલાં જ 26 IAS અધિકારીની બદલીઓ કરવામાં આવી હતી

ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતાં જ રાજ્યના વહીવટી તંત્રમાં મોટે પાયે ફેરફારોનો દોર શરૂ થયો છે, જેમાં આજે 77 IAS અધિકારીની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. એમાં શિક્ષણ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે. હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં બદલી, હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે અપાઈ નિમણૂક. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ. સુરત કલેકટર ધવલ પટેલની ગુડાના CEO તરીકે બદલી કરવામા આવી છે.

રાજ્ય સરકારે મોટે પાયે અધિકારીઓની બદલી કરી
IAS અંજુ શર્માને શિક્ષણમાંથી રોજગાર વિભાગમાં ફરજ સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાત ST નિગમના MD S.J. હૈદરને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. રોજગાર વિભાગના સચિવ હર્ષદ પટેલની પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાઈસ-ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ છે. એ ઉપરાંત રાજકોટ કલેક્ટર તરીકે અરુણ મહેશ બાબુ, રાજકોટ મ્યુનિસિપલ કમિશર તરીકે અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરી અને ડેપ્યુટી મ્યુનિસિપલ તરીકે આશિષ કુમારની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર તરીકે વરુણ કુમાર બરણવાલ અને PGVCLના MD તરીકે ધીમંતકુમાર વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.

10 દિવસ પહેલાં જ 26 IASની બદલી કરવામાં આવી હતી.
તાજેતરમાં 10 દિવસ પહેલાં જ રાજ્ય સરકારે મોટે પાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે, જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ. કે. દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. મહેસાણા કલેક્ટર એચ. કે. પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે, અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે.

એક મહિના પહેલાં 9 IAS અધિકારીની બદલી કરાઈ હતી
કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકારે હાલ સરકારી અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે, જેમાં રાજ્યના બે IAS અધિકારીઓની સાબરકાંઠા તથા ડાંગ જિલ્લામાં કલેક્ટર તરીકેની નિમણૂક કરાઈ છે, જ્યારે 7 IAS અધિકારીઓને DDO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ, કુલ 9 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં રાજ્યના બે જિલ્લામાં કલેક્ટરની પણ બદલી કરાઈ છે, જ્યારે 7 IAS અધિકારીની વિવિધ જિલ્લાઓમાં DDOની જવાબદારી સોંપવામાં આવી છે. સાબરકાંઠા-હિંમતનગરના કલેકટરની વધારાની જવાબદારી અત્યારસુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા. હવે તેમના સ્થાને કલેકટર તરીકે એચ.કે. કોયા જવાબદારી સંભાળશે. IAS એચ.કે. કોયા હાલમાં સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આવી જ રીતે IAS એ.એમ શર્માને ડાંગ-આહવા જિલ્લાના કલેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં હરજીભાઈ કે. વઢવાણિયા એનો એડિશનલ ચાર્જ સંભાળી રહ્યા હતા.