દારૂની હેરાફેરી:ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ પાસે તૈનાત ટ્રાફિક-TRB જવાનોની પોલીસે ઊંઘ ઉડાડી, કારમાંથી દારૂના જથ્થા સાથે 2ને ઝડપી પાડ્યા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • પોલીસે રૂ. 4.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી
  • આંતરરાજ્ય હેરફેર કરીને વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરી લાવ્યા હોવાની આરોપીઓએ કબૂલાત કરી

ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલ પાસે તૈનાત અડધો ડઝનથી વધુ ટ્રાફિક-ટીઆરબી જવાનોની ગાંધીનગર લોકલ બ્રાંચે ઊંઘ ઉડાડી દઈ એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે શખ્સોને રૂ. 4.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટી, અમદાવાદ, સરગાસણ અને ગાંધીનગર શહેરને જોડતા રક્ષા શક્તિ સર્કલ પાસે ટ્રાફિકનું નિયમન કરાવવા અડધો ડઝનથી વધુ જવાનો તૈનાત રહેતાં હોય છે. મોટાભાગે અત્રેના સર્કલ પર ટીઆરબી જવાનો જ ઓવરલોડ વાહનોને દોડધામ કરીને પકડતા હોય છે. જોકે, આ વખતે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની ટીમે સર્કલ નજીકથી જ વિદેશી દારૂના હેરફેરનું નેટવર્ક ઝડપી પાડી અહીં ફરજ બજાવતા જવાનોની કામગીરીની પોલ ખોલી છે.

ગાંધીનગરના રક્ષા શક્તિ સર્કલથી સફેદ કલરની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરફેર થવાની બાતમી મળી હતી. જેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતા તેને અટકાવી દઈ કારની તલાશી લેવામાં આવી હતી. જેનાં પગલે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરનો 153 નંગ જથ્થો મળી આવ્યો હતો. જે અંગે કારમાં સવાર બે ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાનું નામ લીલારામ ઉર્ફે નીલેશ પંડવાલા અને અક્ષય ઘટુલાલ પંડવાલા (બન્ને રહે. ડુંગરપુર, રાજસ્થાન) જણાવ્યા હતા.

પોલીસે દારૂની હેરફેર બાબતે કડકાઈથી પૂછતાંછ કરતા આંતરરાજ્ય હેરફેર કરીને વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરી લાવ્યા હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેમની પાસેથી પોલીસને બે મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા. જેનાં પગલે એલસીબીએ 153 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળીને કુલ રૂ. 4.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જથ્થો કોને પહોંચતો કરવાનો હતો તેની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...