લ્યો બોલો!:શાહપુર સર્કલ પાસેનો ટ્રાફિક પોઈન્ટ ખુદ અસુરક્ષિત, ઈન્ફોસિટી પોલીસ મથકના ઇન્સ્પેક્ટરનું જ બાઈક ચોરાઈ ગયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક પોલીસ-ટીઆરબી જવાનો ખડેપગે તૈનાત હોવા છતાં એએસઆઈનું બાઈક ચોરાઈ ગયું

સમગ્ર દિવસ દરમ્યાન વાહનોની અવરજવરથી ધમધમતા શાહપુર સર્કલ પાસે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની ફોજ ખડેપગે તૈનાત હોવા છતાં અત્રેના ટ્રાફિક પોઈન્ટ પરથી ઈન્ફોસિટી પોલીસ મથકના ASI (આસિસ્ટન્ટ ઓફ સબ ઇન્સપેક્ટર)નું બાઈક ચોરીને ચોર ફરાર થયા હતા. જેને પગલે ખુદ પોલીસના વાહનો પણ ગાંધીનગરમાં સુરક્ષિત નથી રહ્યાનો ઘાટ ઘડાયો છે.

ગાંધીનગરમાં રોજબરોજ વાહન ચોરીના બનાવો નોંધાતા રહેતા હોય છે. શહેર ચારે દિશા સીસીટીવી કેમેરાથી ઘેરાયેલું હોવા છતાં તસ્કરો બેફામ બનીને ચોરીના ગુનાને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે ઈન્ફોસિટી પોલીસ મથકના એએસઆઇનું પણ બાઈક ચોરીને ચોર ફરાર થઈ ગયાની ફરિયાદ પોતાના જ પોલીસ મથકમાં દાખલ કરવાની નોબત પણ આવી છે. નવાઈની વાત તો એ છે કે ટ્રાફિક પોઇન્ટ પર પાર્ક કરેલ બાઈક ચોરીને તસ્કરો એ પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકની પીસીઆર વાનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા નટુભાઈ ચાવડાને ગત તા. 14 મી મેના રોજ સંબંધીના ઘરે જવાનું હોવાથી તેઓ પોતાનું બાઇક શાહપુર સર્કલ પાસેના ટ્રાફિક પોઈન્ટ પર બાઈક મૂકીને ગયા હતા. બે દિવસ પછી એટલે કે તા. 16મી મેનાં રોજ નટુભાઈ અમદાવાદથી સવારે આઠ વાગે પરત આવીને સીધા પોતાનું બાઇક લેવા ગયા હતા.

પરંતુ ટ્રાફિક પોઈન્ટ ઉપર પાર્ક કરેલું બાઈક મળી નહીં આવતાં તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ઉપરાંત ટ્રાફિક પોઈન્ટ ઉપર બેસતાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને પણ બાઈક અંગે પૂછતાછ કરી હતી. પરંતુ કોઈને બાઈક વિશે ખ્યાલ હતો નહીં. આખરે કોઈ ભૂલથી બાઈક લઈ ગયું હોવાનું માનીને નટુભાઈએ ફરિયાદ નોંધાવી નહોતી.

જો કે આજદિન સુધી બાઈક મળી નહીં આવતાં આખરે ખુદ ઈન્ફોસિટી પોલીસ મથકના એએસઆઇ નટુભાઈએ પોતાના જ પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ દાખલ કરાવવાની નોબત આવી છે. નોંધનીય છે કે અત્રેનો વિસ્તાર વાહનોની અવરજવરથી ધમધમતો હોવાથી ટ્રાફિક પોલીસ - ટીઆરબી જવાનોની ફોજ તૈનાત રહેતી હોય છે.

આ આખી ફોજ નિર્દોષ વાહનો ચાલકોને રંજાડવાની હરીફાઈમાં પોતાનો ટ્રાફિક પોઈન્ટ જ સુરક્ષિત રાખી શકી નથી. અહીં થોડા દિવસો અગાઉ પણ નજીકના એક પાન ગલ્લાનું તાળુ તોડી તસ્કરો 45 હજારથી વધુની મત્તા ચોરી ગયાની ઘટના પણ ઘટી હતી.

અન્ય સમાચારો પણ છે...