રાહત:જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 257, માત્ર 41 હોસ્પિટલમાં, જિલ્લાની હોસ્પિટલોમાં કોવિડ વોર્ડમાં કુલ 1960 બેડની ક્ષમતા

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્યની ટીમો મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર અને સિવિલ હૉસ્પિટલમાં ફરજ બજાવશે
  • સંક્રમિત વ્યક્તિઓને દાખલ થવું પડતું નથી

કોરોનાની ત્રીજી લહેરમાં કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. પરંતુ રાહતની બાબત એ છે કે જિલ્લાના કુલ-257 એક્ટિવ કેસમાંથી માત્ર 41 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લાની કોવિડની સારવાર કરતી 45 હોસ્પિટલોમાં કુલ-1960 બેડની ક્ષમતા ધરાવે છે.

કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરીયન્ટના કારણે સંક્રમિત વ્યક્તિઓનું ઓક્સિજન લેવલ ઘટાડી દેતા દર્દીઓને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી હતી. જ્યારે હાલમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેરમાં તેવી કોઇ જ અસર લોકોમાં જોવા મળતી નથી. કોરોનાથી સંક્રમિત થયેલી વ્યક્તિઓને શરદી, ખાંસી, તાવ, અશક્તિ, માથાનો દુ:ખાવો સહિતના લક્ષણો જોવા મળી રહ્યા છે. જોકે ગત 30 ડિસેમ્બર-2021થી કોરોનાના ડબલ ડિઝીટમાં કેસ જિલ્લામાં આવતા થયા હતા. જે માત્ર એક સપ્તાહ એટલે કે બુધવારે તો કેસનો આંકડો 85એ પહોંચી ગયો છે.

આથી કોરોનાની ત્રીજી લહેરમાં જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 257એ પહોંચી ગયો છે. જોકે તેમાંથી હોસ્પિટલમાં માત્ર 41 દર્દીઓને દાખલ થવાની ફરજ પડી છે. આથી 216 દર્દી હાલમાં પણ હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જિલ્લાની 59 હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ ઉભા કરવામાં આવ્યા હતા.

ત્રીજી લહેરમાં જિલ્લાની માત્ર 45 જ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ કાર્યરત હોવાથી કુલ-1960 બેડની ક્ષમતાની સામે 41 બેડ ભરાયેલા છે. જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ 41 દર્દીઓમાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 18, એસએમવીએસમાં 13, સરમાઉન્ટ હોસ્પિટલમાં 6, સિવેન અને આશ્કા હોસ્પિટલમાં 2-2 દર્દી સારવાર લઇ રહ્યા છે.

વાઈબ્રન્ટસમિટમાં સિવિલની 10 ટીમને તૈનાત રખાશે
વાઇબ્રન્ટ સમિટને પગલે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની 10 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. ટીમમાં નિષ્ણાત તબીબો, મેડિકલ ઑફિસર સહિતનો સમાવેશ કરાશે અને મહાત્મા મંદિર, સેક્ટર-17ના એક્ઝિબિશન સેન્ટર સહિતના સ્થળે ફરજ બજાવશે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે મહાત્મા મંદિરમાં તારીખ 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેનારા મહેમાનો અને ઉદ્યોગપતિઓના આરોગ્ય સુખાકારી માટે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની 10 ટીમ તૈનાત રખાશે. આરોગ્યની ટીમોમાં નિષ્ણાત તબીબો, મેડિકલ ઑફિસર, નર્સિંગ સ્ટાફ તેમજ આઇસીસીયુ ઓન વ્હિલ એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ટીમોમાંથી મહાત્મા મંદિર, સેક્ટર-17ના એક્ઝિબિશન સેન્ટર અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવશે. નિષ્ણાત તબીબોની ટીમો માટે રાજ્યની અન્ય સિવિલ હૉસ્પિટલના નિષ્ણાત તબીબોને ડ્યુટી સોંપવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...