21 મંત્રીઓનો ચેમ્બર પ્રવેશ:પૂજા વિધિ સાથે ચાર્જ સંભાળ્યો; રાજેન્દ્ર ત્રિવેદી, કિરીટસિંહ અને અર્જુનસિંહ સોમવારે ચાર્જ સંભાળશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વર્ણિમ સંકુલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સ્વર્ણિમ સંકુલ - ફાઇલ તસવીર
  • મંત્રીઓએ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજી કામ શરૂ કર્યું
  • ઘણા મંત્રીઓ રવિવારે પણ કામગીરી ચાલુ રાખશે

શપથવિધિના ત્રીજા દિવસે નવા નિમાયેલા 24 પૈકીના 21 મંત્રીઓએ શનિવારે સ્વર્ણિમ સંકુલમાં પોતાને ફાળવાયેલી ચેમ્બરમાં પૂજાવિધિ સાથે પ્રવેશ કરીને મંત્રી તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ઘણાં મંત્રીઓએ પરિવારની હાજરીમાં ચેમ્બરમાં પ્રવેશ કર્યો હતો. બાકીના ત્રણ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, કિરીટસિંહ રાણા અને અર્જુનસિંહ ચૌહાણ સોમવારે ચાર્જ લેશે.

સોમવારથી શ્રાદ્ધ પક્ષ શરૂ થતો હોવાથી મંત્રીઓએ શનિવારે જ ચાર્જ લઇ લીધો હતો. ચાર્જ લીધા બાદ મંત્રીઓએ પોતાના વિભાગના અધિકારીઓને બોલાવીને વિભાગની જાણકારી મેળવી, અનેક મુદ્દા પર બેઠકો યોજી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રથમ દિવસે જ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી વિવિધ યોજના અંતર્ગત 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાયને મંજૂરી આપી હતી. વાઘાણીએ ચાર્જ સંભાળ્યો ત્યારે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમને શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી પૂરગ્રસ્ત રાજકોટ-જામનગર જિલ્લામાં રાહત કાર્યો અને નુકસાનીના સરવેની સમીક્ષા કરી હતી. ઘણાં મંત્રીઓએ રવિવારે પણ કામગીરી ચાલુ રાખીને અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે.

મંત્રી બનેલાના વિધાનસભામાં પૂછવાના પ્રશ્નો રદ કરાયા
વિધાનસભામાં ધારાસભ્યો જ પ્રશ્નો પૂછી શકે છે, મંત્રીઓએ જવાબ આપવાના હોય છે. 27મીથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થતું હોવાથી ધારાસભ્યો પાસેથી તેમના પ્રશ્નો મગાવ્યા હતા. દરમિયાન નવી સરકાર રચાતા મંત્રી બનેલા ધારાસભ્યોએ પુછવા માટે મોકલેલા પ્રશ્નો રદ કર્યા છે. નવા મંત્રીઓને વિધાનસભામાં કેવી રીતે પ્રશ્નોના જવાબો આપવા અને કેવી માહિતી રજૂ કરવી તેનું બ્રીફિંગ પણ આગામી દિવસોમાં અપાશે.

અન્ય સમાચારો પણ છે...