ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ:જિલ્લાની 5 બેઠક પર ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કઇ બેઠક પર કેટલા ઉમેદવાર રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે

વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાઇ જતા હવે માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ત્યારે તારીખ 21મી, સોમવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી જિલ્લાની પાંચ સીટો ઉપર કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે ગત શનિવાર સુધીમાં 66 ઉમેદવારો મેદાનમાં હતા.

જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણીનો ચકરાવો ધીરે ધીરે ગતિ પકડી રહ્યો છે. જેમાં ઉમેદવારોના ફોર્મ ભરાઇ ગયા બાદ પ્રચાર સહિતની કામગીરી વેગવંતી બની છે. જ્યારે બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાના મતનું ધ્રુવીકરણ થાય નહી તેના માટે અપક્ષ અને નાના પક્ષોના ઉમેદવારોની પાસેથી ફોર્મ પરત ખેંચવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ઉપરાંત ઉમેદવારો દ્વારા પોતના કમિટેડ મતો જળવાય રહે તે માટે નીચે કાર્યકરોને સક્રિય કરીને પ્રચાર પ્રસારને વેગવંતો કરવા રાત્રી બેઠકો કરવામાં આવી રહી છે.

જોકે ઠંડીના જોર વચ્ચે ચૂંટણીની બાજી જીતવા માટે ઉમેદવારો અને રાજકીય પક્ષોના કાર્યકરોથી લઇને નેતાઓ દ્વારા કમરકસી રહ્યા છે. ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય પક્ષો દ્વારા કેટલા અપક્ષ અને નાના પક્ષના ઉમેદવારો પાસેથી ઉમેદવારી પરત ખેંચાવવામાં સફળ થાય તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

જોકે હાલમાં જિલ્લાની પાંચ બેઠકોમાંથી સૌથી વધુ માણસા બેઠકમાં 18 ઉમેદવારો હજુય મેદાનમાં છે. જ્યારે તેના પછી કલોલ અને ગાંધીનગર દક્ષિણની બેઠકમાં 13-13 તથા ગાંધીનગર ઉત્તરની સીટ ઉપર 12 અને દહેગામની સીટ ઉપર 10 ઉમેદવારો હજુ મેદાનમાં અડીખમ ઉભા રહ્યા છે. જોકે તારીખ 21મી, નવેમ્બર ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થતાં રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે મતદારોને રીઝવવાનું એકમાત્ર લક્ષ બની રહેશે. આ લક્ષ હાંસલ કરવામાં કયો રાજકીય પક્ષ અને ઉમેદવાર સફળ થાય છે તેનું ચિત્ર આગામી તારીખ 8મી, ડિસેમ્બરના રોજ મતગણતરી પછી ક્લીયર થશે.

અન્ય સમાચારો પણ છે...