ખગોળીય ઘટના:આજે ગાંધીનગરવાસીઓ ઝીરો શેડો ડેનો અનુભવ કરશે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષમાં બે વખત બનતી ખગોળીય ઘટના પાટનગરમાં સોમવારે બનશે: બપોરે પડછાયો ગાયબ થઇ જશે

સૂર્યના કર્કવૃત્ત તરફના ભ્રમણને પગલે ગાંધીનગરવાસીઓને 13મી, જૂનના રોજ ઝીરો શેડો ડેનો અનુભવ કરશે. વર્ષમાં બે વખત બનતી ખગોળીય ઘટનાનો નગરવાસીઓ સોમવાર, બપોરે 12-39 કલાકે અનુભવ કરી શકાશે. આ સમયે કોઇ નળાકાર વસ્તુ ઉભી રાખવામાં આવશે તો તેને પડછાયો જોવા મળશે નહી.

કોઇપણ વસ્તુ કે વ્યક્તિનો અંધકાર સિવાય પડછાયો ગાયબ કરી શકાય નહી. પરંતુ ખગોળીય ઘટનામાં આ બાબત શક્ય બની શકે છે. નિસર્ગ સાયન્સ સેન્ટરના અનિલ પટેલે જણાવ્યું છે કે 13મી, જૂનના રોજ ભરબપોરે ગાંધીનગરવાસીઓનો પડછાયો ગાયબ થઇ જશે. તેની પાછળ સૂર્ય ગ્રહનું ભ્રમણ હાલમાં ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જાય છે. જેને ખગોળીય ભાષામાં દક્ષિણાયાન તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણાયન દરમિયાન સૂર્ય ગ્રહ કર્કવૃત્ત ઉપરથી પસાર થાય છે. જોકે સૂર્ય ગ્રહ ભ્રમણ કરતો કરતો કર્કવૃત્ત ઉપર જાય છે.

ત્યારે અલગ અલગ શહેરમાં જુદા જુદા દિવસે ઝીરો શેડો ડેનો અનુભવ સ્થાનિક લોકો કરતા હોય છે. જે આગામી 23મી, જૂનના રોજ કર્કવૃત્તના સૌથી ઉંચા બિંદુ પહોંચ્યા બાદ સૂર્ય ગ્રહનું ભ્રમણ દક્ષિણ દિશા તરફ રહેશે. પાટનગરમાં આ ખગોળીય ઘટના 13, જૂન, સોમવારે બપોરે 12-39 કલાકે બનશે. આથી આ સમયે કોઇપણ નળાકાળ વસ્તુ ઉભી મુકવામાં આવશે તો તેનોપડછાયો જોવા મળશે નહી.

જોકે સમગ્ર ઘટના અમુક પળ માટે જ બનતી હોય છે. જોકે આવી જ ખગોળીય ઘટના બીજી વખત બનશે. જ્યારે સૂર્ય ગ્રહ ભ્રમણ કર્કવૃત્ત ઉપરથી દક્ષિણ દિશા તરફ પરત જશે. ત્યારે આગામી 9મી, જુલાઇ-2022ના રોજ પુન: નગરવાસીઓને ઝીરો શેડો ડેનો અનુભવ થશે. જોકે ખગોળીય ઘટનાની અનુભુતી થાય તે માટે નિસર્ગ સાયન્સ સેન્ટર, બ્લોક નંબર-61/1, ઘ-ટાઇપ, સેક્ટર-23, ગાંધીનગર ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...