આક્ષેપ:‘બસને મોડી લઇ જવાની જેથી મુસાફરોમાં વિરોધ થવાથી પેથાપુરમાં જવું નહીં પડે’

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અધિકારીઓ જ ડ્રાઇવરને શીખવાડતા હોવાનો આક્ષેપ

બસોને મોડી લઇ જવાની જેથી પોઇન્ટના તેમજ ડેપોના મુસાફરોમાં બસ મોડી આવવાની ફરીયાદો આવે. જેને પરિણામે બસોને પેથાપુર ગામમાં લઇ જવી પડે નહી તેવું ચેકિંગમાં આવેલા અધિકારીઓ બસોના ડ્રાઇવરોને શિખવાડતા હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો છે. જોકે પેથાપુર ગામમાં બસો આવતી નહી હોવાની એસ ટી બસ પેસેન્જર એસોસિએશન અને ગ્રામજનોએ એસ ટી નિગમમાં લેખિત ફરીયાદ કરી હતી. ડેપો અને નિગમની આવક વધારવા માટે મુસાફરોને અનુકુળતા મુજબ બસના રૂટ નક્કી કરવાની સુચના આપવામાં આવી રહી છે. ઉપરાંત મુસાફરો મળતા હોય તો નવા રૂટ શરૂ કરવાનો આદેશ એસ ટી નિગમે કર્યો છે. પરંતુ તેનું પાલન રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલા પેથાપુર ગામમાં જ કરવામાં આવતું નહી. જેમાં ઉત્તર ગુજરાત તરફથી આવતી અને અમદાવાદ તરફ જતી બસો તેમજ અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જતી બસો પેથાપુર ગામમાં જવાનો રૂટ હોવા છતાં પેથાપુર ચાર રસ્તાથી બસો જતી રહેતી હતી. આથી ગામના ડેઇલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો સહિતના મુસાફરોને પેથાપુર ચોકડી સુધી ખાનગી વાહનમાં આવવાની ફરજ પડતી હતી. મુસાફરો અને ગ્રામજનોને પડતી બસની દુવિધાને પગલે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી તેમજ એસ ટી નિગમમાં લેખિત રજૂઆત કરી હતી. જેને પરિણામે એસ ટી નિગમ દ્વારા ચેકિંગ માટે અધિકારીઓની ટીમ મોકલી હતી. જોકે ટીમ દ્વારા ડ્રાઇવરોને બસોને ગામમાં લઇ જવાનું કહેવાને બદલે બસો મોડી લઇ જવાની, જેથી આગળ બસ મોડી આવતી હોવાની ફરીયાદ આવે એટલે તમારે પેથાપુર ગામમાં જવું પડશે નહી તેવું બસોના ડ્રાઇવરોને શિખવાડતા હોવાનો આક્ષેપ પેથાપુરના ગ્રામજનો અને મુસાફરોએ કર્યો છે. ઉપરાંત ચેકિંગ ટીમ હાજર હોવા છતાં બસો પેથાપુર ચોકડીથી બારોબાર જતી રહેતી હતી. બસોમાંથી દસેક જેટલા મુસાફરો ઉતરાત અને ચડતા હોવા છતાં તેની નોંધ કરવામાં આવતી નહી હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...