હેવાનિયતની હદ થઈ પાર:શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષીય દીકરીની હત્યા કર્યા પછી યુવકે દુષ્કર્મ આચર્યું , રાત્રે સૂતાં સમયે કર્યુ હતું અપહરણ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બળાત્કાર ગુજારી લાશ ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
  • દીકરીની શોધખોળ પછી પણ કોઈ પત્તો ન લાગતાં પિતાએ નોંધાવી હતી પોલીસ ફરીયાદ
  • બળાત્કારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકની હદમાંથી છ વર્ષીય બાળકીના અપહરણ-દુષ્કર્મની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી, ત્યારે ખાત્રજમાંથી શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષીય દીકરીનું પણ અપહરણ કરીને દુષ્કર્મ અને પછી હત્યા કરી હોવાની ઘૃણાસ્પદ ઘટના પોલીસના ચોપડે નોંધાઈ હતી. જેનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચ 1 અને 2, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સહિતના પોલીસ કુમક દ્વારા ટૂંકા ગાળામાં જ ઉક્ત બન્ને ગુન્હાને અંજામ આપનાર 26 વર્ષીય સાયકોકિલરની ધરપકડ કરી લેવામાં આવી છે.

મૂળ દાહોદનો એક પરિવાર મજૂરી કામ અર્થે ખાત્રજ ખાતે રહે છે. હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી દંપતિ કડિયા કામની મજૂરી અર્થે જતાં નથી. ગત તા. 5મી નવેમ્બરને બેસતાં વર્ષનાં રોજ પરિવાર ઘરે હાજર હતો અને બધા રાત્રીના સમયે જમી પરવારી નવેક વાગ્યાના અરસામાં સૂઈ ગયાં હતાં. તે વખતે છાપરાનો પતરાનો દરવાજો ખુલ્લો હતો અને પિતાની બાજુના ખાટલામાં તેમનો પુત્ર અને ત્રણ વર્ષીય દીકરી સૂઈ ગયા હતા.

રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં દીકરીનાં માતા જાગી ગયા હતા અને બન્ને સંતાનોએ ઓઢેલ ગોદડીઓ સરખી કરવા લાગ્યાં હતાં. પરંતુ ખાટલામાંથી દીકરી ગાયબ હતી. જેથી પરિવારે દીકરીની શોધખોળ આદરી હતી, પરંતુ દીકરીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

એ દરમિયાન બાજુના છાપરામાં રહેતાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. બધાએ એકઠા થઈને દીકરીની શોધખોળ આદરી હતી. ઘણા વિસ્તારોમાં દીકરીની શોધખોળ પછી પણ કોઈ પત્તો ન લાગતાં પિતાએ સાંતેજ પોલીસ મથકમાં દીકરીના અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. જેને આધારે પોલીસે દીકરીની તપાસ હાથ ધરી હતી.

આ અંગે સાંતેજ પોલીસ મથકમાંથી જણાવવામાં આવ્યું હતું કે, બાળકીની લાશ સાંતેજ ચોકડીથી ભોંયણ તરફ જતા રોડ નજીક ગરનાળાની અવાવરુ જગ્યાએથી મળી આવી હતી. જેનો મેડિકલ ચેકઅપ કરતા દુષ્કર્મ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસ તપાસમાં વિજયજી પોપટજી ઠાકોરે બાળકીનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરીને દુષ્કર્મ ગુજાર્યો હતો અને બાદમાં તેની લાશ ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટરો મારફતે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે અને આરોપી વિજયજી ઠાકોરની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે ગત. તા. 4 નવેમ્બરના રોજ પણ આજ આરોપીએ છ વર્ષીય બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની પણ વિગતો બહાર આવી રહી છે. પરંતુ પોલીસ હાલમાં કઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહી છે. ત્યારે આ ઘૃણાસ્પદ કૃત્યને પગલે સમગ્ર પંથકમાંથી લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...