કલોલની ઘટના:ત્રણ વર્ષના બાળકે પરિવાર અને પોલીસને દોડતી કરી દીધી, પોતાને પ્રિય એવું જેસીબી મશીન ઘર પાસેથી પસાર થતાં પાછળ પાછળ નીકળી ગયો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોધખોળ કરવા છતાં પુત્ર નહીં મળી આવતાં માતાએ અપહરણનો ગુનો દાખલ કરાવ્યો
  • પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં બાળકને શોધી માતા સાથે મિલન કરાવ્યું

કલોલ તાલુકાના સઈજમાં આજે સવારે ઘર આગળ રમતો ત્રણ વર્ષનો બાળક જેસીબી મશીન પસાર થતા તેની પાછળ પાછળ નીકળી ગયો હતો. ત્યારે ચારે દિશામાં શોધખોળ કરવા છતાં પુત્ર નહીં મળી આવતાં માતાએ અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો. જોકે, ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરતાં કલોલ ફાયર સ્ટેશન નજીક બાળક જેસીબી મશીન જોડે રમતાં મળી આવ્યો હતો.

નાના બાળકો બાળ સહજ સ્વભાવ કારણે એવું કરી બેસતા હોય છે કે જેના કારણે માતાપિતાને ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય છે. આવો જ એક કિસ્સો કલોલના સઈજ આનંદપૂરા શિવ શક્તિ નગરમાં આજે સવારના સમયે બન્યો હતો. જેનાં કારણે પરિવારની સાથે પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી. શિવ શક્તિ નગરમાં રહેતાં રાધિકાબેન પાસવાન સંયુક્ત કુટુંબમાં શિવ શક્તિ નગરમાં રહે છે. જેમને એક પાંચ વર્ષની દીકરી નવ્યા અને દીકરો પ્રતીક ઉર્ફે આહાન છે.

આજે સવારના રાધિકાબેન ઉપરના માળે સાફ સફાઈ માટે ગયા હતા. ત્યારે તેમનો ત્રણ વર્ષ 2 માસનો દિકરો પ્રતીક નીચે ઘર આગળ રમતો હતો. થોડી વાર પછી રાધિકાબેન સફાઈ કરીને નીચે આવ્યા ત્યારે દીકરો જોવા મળ્યો ન હતો. આસપાસ તપાસ કરી પણ ત્રણ વર્ષનો દિકરો મળી નહીં આવતાં તેમની જેઠાણી સાથે નજીકના બગીચામાં જઈને પણ તપાસ કરી હતી.

આસપાસનાં બધા વિસ્તારમાં તપાસ કરવા છતાં પ્રતીક મળી નહીં આવતાં રાધિકાબેન કલોલ તાલુકા પોલીસ મથકે જઈને અપહરણની ફરિયાદ પણ દાખલ કરાવી દીધી હતી. આ મામલાને ગંભીરતા થી લઈ કલોલ તાલુકા પોલીસે તુરંત જ બાળકીની વિગતો મેળવીને અલગ અલગ ટીમોને કામે લગાડી દીધી હતી.

આ દરમિયાન રાધિકાબેન સાથેની વાતચીતમાં પ્રતિકને જેસીબી મશીન બહુ ગમતાં હોવાની વાત જાણવા મળી હતી. ત્યારે કલોલ તાલુકા પોલીસ મથકનાં પોલીસ સ્ટાફે પણ ચારે દિશામાં દોડધામ શરૂ કરી દેવાઈ હતી. આખરે કલોલ ફાયર બ્રિગેડથી થોડેક દૂર એક જેસીબી મશીન પાસે નાનું બાળક રમતો હોવાની જાણ થતાં જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારે બાળ સહજ સ્વભાવ મુજબ જેસીબી મશીનને રમકડાંનું સમજીને રમી રહેલ બાળક બીજું કોઈ નહીં પણ ત્રણ વર્ષનો પ્રતીક હોવાની પુષ્ટિ થઈ હતી. આમ કલોલ તાલુકા પોલીસની સરાહનીય કામગીરીથી માત્ર ગણતરીના કલાકોમાં બાળક સાથે માતાનું મિલન શકય બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...