ગાંધીનગરના સેક્ટર - 15 સરકારી કોમર્સ કોલેજ નજીકથી એક્ટિવાની ચોરી કરીને ગાંધીનગરમાં લટાર મારવા નીકળેલા ત્રણ કિશોરોને એલસીબીએ ઝડપી પાડયા હતા. કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણેય કિશોરોએ મોજશોખ ખાતર એક્ટિવાની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
ગાંધીનગરના સેક્ટર - 7 પોલીસ મથકની હદમાં આવેલી સરકારી કોમર્સ કોલેજ પાસેથી થોડા દિવસ અગાઉ એક એક્ટિવા ચોરીનો ગુનો બન્યો હતો. જેનાં પગલે LCB પીઆઈ જે એચ સિંધવની ટીમે સ્થળ ચકાસણી કરીને આસપાસના વિસ્તારમાં શોધખોળ આદરી હતી. એલસીબીને અંદાજો આવી ગયો હતો કે, સરકારી વાહનો લઈને પેટ્રોલીંગ કરવામાં આવશે તો એક્ટિવા ચોર સતર્ક થઈ જશે. જેથી અલગ અલગ ટીમ દ્વારા સાદા ડ્રેસમાં ટુ વ્હીલર પર જ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વિનાના એક્ટિવા સાથે ત્રણ ઈસમો સરકારી કોમર્સ કોલેજ વિસ્તારમાં ફરી રહ્યા છે. જેનાં પગલે અત્રેના વિસ્તારને કોર્ડન કરીને એક્ટિવા સાથે ત્રણ ઈસમોને પકડી લેવાયા હતા. જેમની પૂછતાંછ કરતાં આ ત્રણેય બાળ કિશોર હોવાનું બહાર આવ્યું હતું.
કિશોરોને એક્ટિવા ચોરી સંદર્ભે પૂછતાં મોજશોખ માટે કોઈ વાહન ચોરવા માટે ફરી રહ્યા હતા અને કોમર્સ કોલેજ પાસે પાર્ક કરેલું એક્ટિવા મોકો મળતાં ચોરી કર્યુ હતું. આ અંગે પીઆઈ સિંધવે કહ્યું હતું કે, એક્ટિવા ચોરીનો ગુનો દાખલ થતાં બનાવ વાળી જગ્યાએ તપાસ કરી હતી અને આ એક્ટિવા અહીંના વિસ્તારમાં જ ફરતું હોવાનો અંદાજો આવી ગયો હતો. જેથી ટુ વ્હીલર પર ટીમે પેટ્રોલીંગ શરૂ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળ કિશોરોને પકડી સેક્ટર - 7 ને સોપી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.