કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં આવેલી પી.એમ. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં ભર બપોરે ત્રણ લૂંટારાઓએ વેપારીને રિવોલ્વરની અણીએ લુંટી લેવાનો કારસો રચ્યો હતો. જોકે, પેઢીમાં એ સમયે રોકડ રકમ નહીં હોવાથી લુટારુઓને ફેરો માથે પડ્યો હતો. ત્યારે નકલી રિવૉલ્વર હોવાનો અંદાજ આવી જતાં વેપારીએ ત્રણેયનો પ્રતિકાર કરતા લૂંટારુ ઇનોવા કારમાં નાસી ગયા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
કલોલ છત્રાલ જીઆઈડીસી પ્રિયા એવન્યુ કોમ્પલેક્ષમાં જતીન બાબુભાઈ પટેલ પી.એમ. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢી આઠેક વર્ષથી ચલાવી રહ્યા છે. ગઈકાલે સવારે નિત્યક્રમ મુજબ જતીનભાઈ પોતાની પેઢીએ ગયા હતા. જેમની પેઢીમાં કોઈ માણસ રાખ્યો નહીં હોવાથી મોટાભાગનું કામ જતીનભાઈ જાતે જ કરે છે. જેમની પેઢીનાં મધ્યભાગમાં ભાગમાં લોખંડની જાળી ફીટ કરવામાં આવી હતી. ત્યારે બપોરના સમયે ટિફિન ખાઈને જતીનભાઈ પેઢીની જાળી બંધ કરીને પાણી પીતા હતા. એટલામાં ત્રણ ઈસમો પેઢી ઉપર આવ્યા હતા. જેથી તેમને આવવાનું કારણ પૂછતાં એક ઈસમે જાળી ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને બીજાએ રિવોલ્વર તાકી દીધી હતી. આ જોઈને જતીનભાઈ ગભરાઈને ટેબલ નીચે સંતાઈ ગયા હતા.
બાદમાં ત્રણેય ઈસમો જાળી ખોલીને અંદર ઘૂસી પેઢીમાં પડેલા થેલા ફેંદવા લાગ્યા હતા. ત્યારે અચાનક જતીનભાઈએ રિવોલ્વર બતાવનાર ઈસમને પકડી લીધો હતો. ત્યારે તેની પાસેની રિવોલ્વર નકલી હોવાનો અંદાજ આવી જતાં જતીનભાઈએ ટેબલની બહાર નીકળીને પ્રતિકાર કર્યો હતો. એવામાં બીજા ઈસમે પણ રિવોલ્વર કાઢીને જતીનભાઈના આંખના ભાગે મારી હતી. જેનાં કારણે તેમને માથામાં ઇજા થઇ હતી. અને ઝપાઝપી થવા લાગી હતી.
આ દરમિયાન પેઢીની બાજુમાં કરિયાણાની દુકાન ચલાવતા રાજકુમાર રાજપૂત સહિતના આવી ગયા હતા. જેથી ત્રણેય લૂંટારૃ પેઢીમાંથી નીકળીને ભાગ્યા હતા. જેમનો પીછો કરતાં ત્રણેય લૂંટારૃ વિન્ડસર તરફ ભાગીને એક નંબર પ્લેટ વિનાની ઇનોવા કારમાં ફરાર થઈ ગયા હતા. આ અંગે જતીનભાઈની ફરિયાદના કલોલ તાલુકા પોલીસે 25થી 30 વર્ષના ત્રણ લૂંટારૃ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.