ધમકી:ગાંધીનગર સિવિલના હેડ નર્સ સાથે પૈસાની લેતીદેતીમાં સર્વન્ટ સુપરવાઈઝર સહિત ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં હેડ નર્સ સાથે પૈસાની લેતીદેતીમાં સિવિલના સર્વન્ટ સુપરવાઇઝર સહિતના ત્રણ ઈસમોએ સિવિલ કેમ્પસમાં માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં સમગ્ર મામલો સેકટર - 7 પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં દસ વર્ષથી હેડ નર્સ તરીકે ફરજ બજાવતા નયનાબેન જગદીશભાઈ ડોડીયાર સિવિલ કેમ્પસમાં રહે છે. થોડા વખત અગાઉ નયનાબેને સ્ટાફના ટવીંકલ રાજપૂતનાં બનેવી મહેન્દ્ર રાજપૂત પાસેથી પૈસા લીધા હતા. ગઈકાલે નયનાબેન ઘરે હિચકા પર બેઠા હતાં.એ દરમ્યાન મહેન્દ્ર રાજપૂત, સિવિલનો સર્વન્ટ સુપરવાઇઝર પાર્થ પરમાર તેમજ અન્ય એક ઈસમ બપોરના સમયે તેમના ઘરે પહોંચી ગયા હતા. અને પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. ત્યારે મહેન્દ્ર કહેવા લાગ્યો હતો કે, ' તું અમારા પૈસા પૈસા આપી દે નહીં તો ક્યાંથી કઢાવવાનાં હોય ત્યાંથી કઢાવી આપ નહીં તો ગાંધીનગરમાં શાંતિથી રહેવા નહીં દઉં' કહીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. અને જાતિવિષયક અપમાનિત પણ કર્યા હતા.

આથી નયનાબેને ગાળો નહીં બોલવાનું કહેતા મહેન્દ્ર વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને કહેવા લાગેલો કે, 'હું રાજપૂત છું મારા પૈસા આપી દે નહીં તો તારા પરિવારના ટુકડા કરી જાનથી મારી નાખીશ'. ત્યારે બપોરના સમયે ત્રણેય ઈસમોએ પૈસા બાબતે હોહા મચાવતા નયનાબેનનાં પરિવારનાં સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમને જોઈને ત્રણેય જણાં ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે નયનાબેને ફરિયાદ આપતા સેકટર - 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હેડ નર્સ, સાગરિતોએ નોકરી અપાવવા રૂપિયા લીધાની ચર્ચા
સિવિલમાં ખાનગી એજન્સીમાં નજીવા પગારમાં નોકરી કરતા કર્મચારીઓને સિવિલમાં જ કાયમી કરવા માટે 2થી 3 લાખ લીધા હોવાની ચર્ચા સમગ્ર સિવિલમાં ચર્ચા થઈ રહી છે, જેમાં હેડ નર્સ, તેની બહેન અને તેના પતિની સંડોવણી હોવાની ચર્ચા પણ રઈ રહી છે.

મહિના પહેલાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફિસ બહાર હોબાળો થયો હતો
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 1 મહિના પહેલાં મહેસાણાની યુવતિ હેડ નર્સ સહિતના મળતિયા સામે ફરિયાદ કરવા ગાંધીનગર સિવિલ
આવી હતી. યુવતિએ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસ બહાર હોબાળો મચાવ્યો હતો અને અરજી પણ કરી હતી. જોકે સુપરિન્ટેન્ડેન્ટે તપાસમાં ભીનું સંકેલ્યું હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...