તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આંગડિયા લૂંટને અંજામ આપનારા વધુ ત્રણ લૂંટારુ ઝડપાયા, 59.84 લાખની લૂંટને આપ્યો હતો અંજામ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ લુટારુ પાસેથી રૂ. 2.47 લાખનો મુદામાલ જપ્ત
  • કલોલ આંબેડકર ત્રણ રસ્તા પાસેથી ત્રણેયને ઝડપી પાડ્યા

વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર દસ જેટલા સાગરિતો સાથે મળીને મરચાની ભૂકી નાંખી રૂ. 59.84 લાખની સનસનાટી ભરી આંગડીયા લૂંટ કરી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ રૂ. 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ આપેલ સુચના અન્વયે એસીબીના પીએસઆઇ વાય.વાય.ચૌહાણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમિયાન ખાનગીરાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, આણંદ જીલ્લાના સોજિત્રા પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટનાં ગુનાનાં ફરાર આરોપીઓ કલોલ આંબેડકર ત્રણ રસ્તા પાસે બ્રીજ નીચે ઉભા છે.

જેનાં પગલે એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કુમક દ્વારા ઉક્ત સ્થળેથી નાસતા ફરતા આરોપીઓ અફઝલ નાગોરી તથા સિકંદર નાગોરી તથા હારૂન નાગોરી (ત્રણેય રહેવાસી- ચંદ્રોડા તા. બહુચરાજી, જી. મહેસાણા) ને ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમની વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ શરૂ કરતાં તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, ચાંદીની લક્ષમીજીની મુર્તિઓ ચાંદીનું ત્રિશૂલ-ડમરૂ, તથા ચાંદીની પાયલો જુદી જુદી સાઈજની ડોડીયો, ચાંદીના બીલીપત્ર, ચાંદીની યંત્ર, તથા સોનાના લેડીઝ કૈયડા, સોનાની બુટ્ટીઓ, સોનાની રૂદ્રાક્ષી માળા, સોનાના આંકડા તથા ક્લીપો, મળી કુલ રૂ.2 લાખ 46 હજાર 590 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

ઉપરોક્ત મુદ્દામાલ બાબતે તેઓની વધુ કડકાઈથી પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે,પોતાના ગામમાં આવેલ રાજધાની હોટલ ઉપર અવાર નવાર આવતા સહ આરોપી ચેતનભાઇ ઉર્ફે લાલભાઇ ગઢવી તથા સહ આરોપી દર્શનભાઇ ઉર્ફે ડી.કે. રબારી (બંન્ને રહેવાસી- ખાંભેલ જી. મહેસાણા)એ તેઓને ઝડપથી પૈસા કમાવવા માટે પોતાની સાથે આવવા અને આંગડીયા પેઢીમાંથી સોના-ચાંદીના દાગીના લઇ જતા કર્મચારીઓને લુંટી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

જે અન્વયે ગત તા તા. 26 જુલાઈના રોજ અફજલની પાસેની આઇ-20 ગાડીની નંબર પ્લેટ કાઢી ચેતનભાઇ ઉર્ફે લાલભાઇ ગઢવીના તથા દર્શનભાઇ ઉર્ફે ડી.કે. રબારી પાસે ગયા હતા અને ત્યાંથી ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી ધોકા તથા મરચાની ભુકી લઈ પાંચે જણા મહેસાણા આવ્યા હતા. બાદમાં ચેતનભાઇ ઉર્ફે લાલભાઇ ગઢવીએ બીજા પાંચ સાગરીતોએ બોલાવતા તેઓ ઇકો ગાડી લઇને અમદાવાદ થઇ વડોદરા એક્ષપ્રેસ હાઇવે ઉપર એક ટાટાની ફોરવ્હીલર ગાડી જતી ગાડીના કાચ ફોડી તે ગાડીમાં બેસેલા માણસોની આંખમાં મરચાની ભુકી નાંખી લુંટ કરી હતી.

આ ગુનાને કુલ દસ જેટલા આરોપીઓ એ અંજામ આપ્યો હતો જેમાથી ચાર આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા. જે પૈકીના ઉક્ત વધુ ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરોક્ત પકડાયેલ ઈસમો પૈકી હારૂન ઉર્ફે બક્સો નાગોરીનો અગાઉ રાધનપુર, બહુચરાજી તથા પાટડી પોલીસ મથક ખાતે ભેંસ ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...