સાત ગુનાનો ભેદ ઉકેલાયો:ગાંધીનગર સહિત ત્રણ જિલ્લામાં ઘરફોડ-વાહન ચોરીનાં ગુનાને અંજામ આપનાર ગેંગનાં ત્રણ શખ્સો ઝડપાયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાંન્ચે ત્રણ શખ્સોને ઝડપી પાડી સાત ગુનાનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણામાં ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુના આચરી તરખાટ મચાવતી ગેંગના ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લેવાયા છે. ક્રાઇમ બ્રાંન્ચે બાતમીના આધારે છત્રાલ જીઆઈડીસીમાં ચોરીના બાઈક સાથે ચોરી કરેલા 20 નંગ શર્ટ વેચતાં ત્રણ શખ્સોને 65 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સાત ગુનાનો ભેદ ઉકેલી દઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચ પીઆઈ એચ.પી. ઝાલાનાં સુપરવિઝન હેઠળ ટીમના માણસો ઘરફોડ અને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટેની દિશામાં સક્રિય હતા. એ દરમ્યાન બાતમી મળી હતી કે છત્રાલ જીઆઈડીસીમાં ચોરીના બાઈક સાથે ચોરી કરેલાં શર્ટ વેચવા માટે ફરી રહ્યા છે.

એલસીબીની ટીમે ઉક્ત સ્થળેથી ત્રણ શખ્સોને ઉઠાવી લઈ ક્રાઇમ બ્રાંચની કચેરીએ લાવી કડકાઈથી પૂછતાંછ શરૂ કરવામાં આવતાં તેમણે પોતાના નામ રાહુલ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઈ બજાણીયા (રહે. આદર્શ સ્કૂલની બાજુમાં છાપરામાં, હિંમત નગર), કરણ ઉર્ફે અર્જુન સરતાન દંતાણી (રહે. સાઈબાબા મંદિર પાસે છાપરામાં, મહેસાણા) અને ગણેશ ઉર્ફે ગણીયો શકરાજી મોથલીયા (રહે. પાણપૂર પાટીયા પાસે છાપરાંમાં, હિંમતનગર) હોવાનું જણાવ્યું હતું.

આ ત્રણેય શખ્શો પાસેથી એલસીબીને ચોરીનું બાઈક, ખાતરીયુ અને હથોડી તેમજ રાહુલ પાસેથી 35 હજાર રોકડા મળી આવ્યા હતા. જેમની વધુ પૂછતાંછમાં એક માસ અગાઉ અન્ય એક સાગરિત અર્જુન બજાણીયા સાથે મળીને ડીંગુચાથી બાઈકની ચોરી કરી હતી. અને તેજ બાઈક લઈને પલીયડ જઈ પાન બીડી અને બીજી એક દુકાનમાં 1.20 લાખની ચોરી કરી હતી. બાદમાં બાઈકને બાલવા રેલ્વે ફાટક પાસે બિનવારસી મૂકીને પૈસા અંદરો અંદર વહેંચી લીધા હતા.

આ ઘટનાના બે દિવસ પછી ગણેશ, રાહુલ, અર્જુન અને કરણ જઈ વેડા દૂધ મંડળી માંથી 40 હજારની ચોરી કરી હતી. તેમજ ચારેક દિવસ પછી રામપૂરા ચોકડી ગયા હતા. અહીં પોલીસ ઉભી હોવાથી ખેતરાઉ રસ્તેથી જગુદણ જઈ બે બાઇક ચોર્યા હતા. અને પ્રાંતિજ બે બાઇક રેઢા મૂકી દીધા દીધા હતા. આ ઉપરાંત આમજા દૂધ મંડળી અને દરજીની દુકાનમાં પણ ઘરફોડ ચોરી કરી હતી. તેમજ ઈસનપૂર, સાનોદા અને પ્રાંતિજમાં પણ દૂધ મંડળીના તાળા તોડયા હતા. જે ચોરીની રકમ સરખે ભાગે વહેંચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...