ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની તાકાતથી ચૂંટાયેલા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ હવે કોઇ રાજકીય પાર્ટીમાં જોડાવા માટેની વાટાઘાટો હાથ ધરી છે. સૂત્રોના કહ્યા મુજબ, ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે. આ બાબતે સોમવારે ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.
વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં આવેલા પરિણામો પ્રમાણે બાયડથી ધવલસિંહ ઝાલા, વાઘોડિયાથી ધર્મેન્દ્ર જાડેજા અને ધાનેરાથી માવજી દેસાઇએ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. આ ત્રણેય ધારાસભ્યો અપક્ષ તરીકે ચૂંટાયા પછી તેમને કોઇ રાજકીય પક્ષમાં જોડાવવાની જરૂરિયાત સમજાઇ હતી. આથી ત્રણેય ધારાસભ્યોએ ખાનગીમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ત્રણેય ધારાસભ્યોએ કોઇ રાજકીય પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું હતું.
સૂત્રોના કહ્યા પ્રમાણે મોટાભાગે ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાઇ તેવી પૂરી શકયતા છે. આ બાબતે ભાજપના સંપર્કમાં પણ ત્રણેય ધારાસભ્યો હોવાનું બહાર આવ્યું છે. ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરે તે પહેલા આ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેમ સૂત્રોનું કહેવું છે. જો કે, આ બાબતે હજુ કોઇ ચિત્ર સ્પષ્ટ થયું નથી,પરંતુ ત્રણેય ધારાસભ્યો ભાજપમાં કયારે જોડાશે તે બાબતનું ચિત્ર એકાદ-બે દિવસમાં સ્પષ્ટ થાય તેવી શકયતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.