ગાંધીનગરમાં કાયમી કરવાની માંગ સંદર્ભે ચારસો જેટલા સફાઈ કામદારો દ્વારા છેલ્લાં 66 દિવસથી કોર્પોરેશન તંત્ર સામે આંદોલન છેડવામાં આવ્યું છે. જેમના સમર્થનમાં અનશન પર બેઠેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોનાં આજે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનાં હસ્તે પારણા કરાવવામાં આવ્યા હતા. જો કે આઉટ સોર્સ સફાઈ કામદારોએ પોતાનું આંદોલન યથાવત રાખ્યુ છે.
ગાંધીનગરમાં સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઇને ગુજરાત સફાઈ કામદાર મહા મંડળનાં ઉપક્રમે છેલ્લા 66 દિવસથી સેકટર - 12 ખાતે આંદોલન ચાલી રહ્યું છે. જેમના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકી, ચંદનસિંહ ઠાકોર અને ઋતવીક મકવાણા 28 ફેબ્રુઆરીએ 48 કલાકના અનશન પર ઉતર્યા હતા. જેમના આજે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પારણા કરાવ્યા હતા.
ગાંધીનગરમાં છેલ્લા 66 દિવસથી કોર્પોરેશનના કર્મચારીઓનું આંદોલન યથાવત છે. કપાત પગાર, કાયમી નિમણૂક સહિતની વિવિધ માંગ સાથે આઉટસોર્સિંગ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેમાં 400 જેટલા સફાઈ કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.
બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આંદોલન પર બેસેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને પારણા કરાવ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું,રાજ્યની 158 નગરપાલિકામાં કોંગ્રેસ ઉપવાસ આંદોલન કરશે. અને ગરીબોના હક માટે કોંગ્રેસ લડતી રહેશે. તો સફાઈ કામદારો પણ છેલ્લી ધડી સુધી લડી લેવાના મૂડમાં હોય તેમ પોતાનું આંદોલન યથાવત રાખ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.