સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાવવામાં આવતા રાજયના સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના મુજબ જ લાભો આપવાની માંગ કરી રહ્યા છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અલગ-અલગ વિભાગના હજારો કર્મચારીઓની મહાસભા ભરાઈ છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ગત તારીખ 1લી, એપ્રિલ-2005 પછી ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના રદ કરી દેવામાં આવી છે. તેને બદલે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરાંત કરાર આધારિત, ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે.
નવી પેન્શન યોજનાથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને જીવન નિર્વાહ ચલાવવો આર્થિક રીતે કપરૂ બની રહે છે. ત્યારે નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠી છે. તાજેતરમાં રાજસ્થાન સરકાર અને મહારાષ્ટ્ર સરકારે જુની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. જેને પરિણામે રાજ્યના વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના યુનિયનો અને મંડળો દ્વારા જુની પેન્શન યોજના લાગુ કરવા માંગ બુલંદ બની છે.
રાજ્યભરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, કર્મચારી મંડળ સહિતનાં કર્મચારીઓ જુની પેન્શન લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જુની પેન્શન યોજનામાં કર્મચારીને અડધો પગારની સામે નવી પેન્શન યોજનામાં માસિક રૂપિયા 2500થી રૂપિયા 7500નું પેન્શન મળવા પાત્ર થાય છે. નિવૃત્તિ જીવનમાં આર્થિક રીતે દિવ્યાંગ બનાવતી નવી પેન્શન યોજના રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાની આગેવાનીમાં સત્યાગ્રહ છાવણી ખાતે અલગ-અલગ વિભાગના હજારો કર્મચારીઓની મહાસભા ભરાઈ છે. જેમાં શિક્ષકો પણ 4200ના ગ્રે પે મુદ્દે માંગણી કરી રહ્યા છે.
આ અંગે મોરચાના પ્રચારક રાકેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓની જુની પેન્શન યોજના રદ કરી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. જેનાં કારણે કર્મચારીઓને અન્યાય થવાનો છે. જુની પેન્શન યોજના મુજબ કર્મચારી નિવૃત થાય ત્યારે 50 ટકા રકમ મળતી હતી. હવે નવી પેન્શન યોજના લાગુ કરીને શેર બજાર સાથે જોડી દેવાઈ છે. કર્મચારીના માસિક પગારમાંથી 10 ટકા રકમ કપાય તેટલી જ રકમ રાજ્ય સરકાર જમા કરે છે. કર્મચારીના પગારમાંથી કપાયેલી રકમને શેરબજારમાં રોકાણ કરવામાં આવે છે. જમા થયેલી રકમમાંથી 60 ટકા રકમ નિવૃત્ત કર્મચારીને આપી દેવામાં આવે છે. બાકી રહેલી 40 ટકા રકમમાંથી નિવૃત્ત કર્મચારીને પેન્શન આપવામાં આવે છે. લાઇફ ટાઇમ સુધી પેન્શનમાં વધારો થતો નથી.
વધુમાં જણાવ્યું કે, એક મહિના અગાઉ પણ સરકારને નવી પેન્શન યોજના રદ કરવાની માંગ કરાઈ હતી. પરંતુ આજદિન સુધી તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતાં આજે મહા સભા યોજીને સરકારની નીતિનો વિરોધ કરવા હજારોની સંખ્યામાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા છે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.