ઘરડાં જ ગાડાં વાળે!:જેમને નિષ્ફળ માનીને હટાવાયા, ચૂંટણી જીતવા માટે સંગઠનને તેમની જ જરૂર પડી; કોર કમિટીમાં રૂપાણી, નીતિન પટેલની વાપસી

ગાંધીનગર6 મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ સહિત ચારેય નેતાનું પુનરાગમન
  • દિવાળી પછી તુરંત જ ચૂંટણી યોજાશે, રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષની મેરેથોન બેઠકો શરૂ

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ બનેલી ભૂપેન્દ્ર પટેલ સરકાર હજુ એક વર્ષ પૂરું કરે ત્યાં બે સિનિયર કેબિનેટ મંત્રીના ખૂબ મહત્ત્વના ગણાય તેવાં બે ખાતાં પાછાં લઇ લેવાયાં. હજુ તો આ ઘટનાક્રમને માંડ ચોવીસ કલાક પૂરાં થયાં ત્યાં ભાજપના સંગઠનની કોર કમિટીમાંથી પડતા મૂકાયેલા વિજય રૂપાણી, નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને આર.સી. ફળદુને પાછા લઈ લેવાયા છે.

બેઠક રવિવારે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી
‘ઘરડાં જ ગાડાં વાળે’ તે કહેવત ભાજપ માટે સાબિત થઇ હોય એવું લાગી રહ્યું છે. સાવ નવાં ચહેરાંને લઇને મંત્રીમંડળ બનાવાયું હોવાં છતાં તેમાં ભ્રષ્ટાચારથી માંડીને સત્તાના દુરુપયોગ જેવાં લાંછનો લાગવા માંડતા ભાજપના મોવડીમંડળને આ નિર્ણય લેવો પડ્યો છે. આ બેઠક રવિવારે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી હતી. ભાજપની કોર કમિટીમાં ફેરફારને પગલે હવે કુલ 18 સભ્ય થઈ જશે.

પક્ષની છબિ પર કલંક લાગે તે પોસાય તેમ નથી
ગુજરાતમાં ચૂંટણીને આડે હવે વધુ દિવસો રહ્યા નથી તે સંજોગોમાં સરકાર અને પક્ષની છબિ પર આ પ્રકારનું કલંક લાગે તે પોસાય તેમ નથી. આ સંજોગોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પ્રસાર કરી રહી છે અને તેમની આ કૂચને રોકવા ભાજપે આકરા નિર્ણયો લેવા પડે તેવી સ્થિતિ છે. નવી સરકારના તમામ નવા ચહેરા આવતાં જૂની સરકારના મંત્રીઓને સાઇડલાઇન કરી દેવાયા હતા. તેમના સ્થાને હવે આ ચહેરાને મુખ્યધારામાં પાછાં લવાઈ રહ્યા છે. કોર કમિટી પક્ષનું એવું એકમ છે, જે સંગઠનના નીતિ વિષયક નિર્ણયો લે છે અને તેનો અમલ કારોબારી કરે છે.

પક્ષમાં ઘણી ગતિવિધિ એકસાથે ચાલતી હોવાના સંકેત
નોંધનીય છે કે, ભાજપમાં ચાલતા આ પરિવર્તનો અંદરખાને પક્ષમાં ઘણી ગતિવિધિ એકસાથે ચાલતી હોવાના સંકેત આપે છે. ચૂંટણીને સવા વર્ષ બાકી હતું ત્યારે આખી સરકારને બદલી નાંખવી અને તે વખતે કાળજીથી પસંદ કરાયેલાં મંત્રીઓને પણ ચૂંટણી વધુ નજીક આવે ત્યારે જ કદ પ્રમાણે વેતરી નાંખવા એ કોઇક ઇશારો ચોક્કસ કરે છે.

સી. આર. પાટીલે સંકેત આપ્યો- આચારસંહિતાને હવે 60 દિવસ જ બાકી
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સાવલી તાલુકા પંચાયતની કચેરીના લોકાર્પણ પ્રસંગે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, ‘ગુજરાતની ચૂંટણીને આડે હવે માંડ 60 દિવસ બાકી છે.’ વાત એમ છે કે, વડોદરા જિલ્લાના સાવલીમાં રૂ. 247 કરોડના ખર્ચે અદ્યતન તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ કરાયું છે. આ દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદારે આ કાર્યક્રમના આયોજન માટે પાટીલને બે કલાક આપવાની વિનંતી કરી હતી. ત્યારે પાટીલે કહ્યું કે, ‘હવે ચૂંટણીની તૈયારી અને આચારસંહિતાને 60 દિવસ બાકી છે તેવામાં આ કાર્યક્રમમાં બે કલાક અપાય? રાજ્યની 182 બેઠક પર પ્રચાર કરવાનો છે અને આ તો સેફ બેઠક છે. જો સેફ બેઠક સીટ પર બે કલાક આપીશું તો નબળી બેઠકનું શું થાય?

ઓછાં દિવસોમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે
નોંધનીય છે કે, પાટીલના નિવેદનને જોતાં દિવાળી પછી ખૂબ ઓછાં દિવસોમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ જશે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે રવિવારે ગુજરાત આવીને મેરેથોન બેઠકો ચાલુ કરી હતી, જેમાં કોર કમિટીની બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠકોનો એજન્ડા ચૂંટણી પહેલા આખરી વ્યૂહનીતિ નક્કી કરવાનો હતો.

ટિકિટોમાં મોટી કાપકૂપ નહીં છતાં વર્તમાન સરકારના પાંચથી છ મંત્રીઓ કપાઈ જશે
અગાઉ ભાજપે મોટાપાયે વર્તમાન ધારાસભ્યોની ટિકિટો કાપવાના સ્પષ્ટ સંકેત આપ્યાં હતાં. જોકે, સૂત્રો તરફથી જાણવા મળે છે કે હવે ભાજપ એવું નહીં કરે. માત્ર જેમની સામે તેમના વિસ્તારમાં એન્ટિ ઇન્કમ્બન્સી ખૂબ મોટા પાયે લાગુ હશે તેમને જ બદલવામાં આવશે. આ યાદીમાં વર્તમાન સરકારના પાંચથી છ મંત્રી પણ આવી જાય છે, જેઓ વિવાદોના કારણે રિપીટ નહીં કરાય.

બંને મંત્રી નારાજ થઇ લાપતા, દિલ્હી પહોંચ્યા હોવાની વકી
આ તરફ ખાતાં લઇ લેવાયા તે બંને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી લાપતા થઈ ગયા છે. તેઓ ક્યાં છે તે અંગે સંગઠન કે સરકારમાં કોઇને ખ્યાલ નથી. આ બંને નેતા ભાજપ હાઇ કમાન્ડને મનાવવા દિલ્હી પહોંચ્યા હોવાની શક્યતા છે. તેમના કાર્યાલયના અંગત સ્ટાફે પણ ફોન બંધ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...