DGP સમક્ષ કૉંગ્રેસની માંગ:જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમા લગાવનારાઓ પર દેશદ્રોહનો ગુનો નોંધવામા આવે

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્ય પોલીસ વડાને મળી આવેદનપત્ર પાઠવ્યું

જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમાનું અનાવરણ કરાયા પછી કોંગ્રેસે દ્વારા પ્રતિમા તોડી પડાઈ હતી. આ મુદ્દે આજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે રાજય પોલીસ વડાને રજૂઆત કરીને મૂર્તિ બનાવનાર, મૂર્તિ લગાવનાર અને સાથે રહેનાર લોકો વિરુદ્ધ દેશદ્રોહનો ગુન્હો નોંધવાની માંગણી કરવામાં આવી હતી.તો બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકાર આ વિચારધારાને સમર્થન નથી કરતી. આ મામલે સંવેદનશીલ છે, યોગ્ય કાર્યવાહી માટે આદેશ આપવામા આવ્યા છે.

જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમા નું હિન્દુ સેના દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરી બીજા દિવસે મૂર્તિ તોડી પાડવામાં આવી હતી. આ મામલે રાજકીય ક્ષેત્રે પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેથી કોંગ્રેસે કહ્યું હતું કે, આવા લોકો આતંકવાદી કરતાં પણ ભૂંડા છે. ભાજપ પણ આ બાબતે કોઈ પ્રતિભાવ નથી આપતું જેથી દેશદ્રોહનો ગુનો લગાવવા બાબતે રાજ્ય પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું.

આજે પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જામનગરમાં બનાવ બન્યો તેના સંદર્ભમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે તેવા મહાત્મા ગાંધીને સૌ કોઈ માને છે. ગાંધીજીને વિશ્વભરમાં લોકો અનુસરે છે. લોકો માટે તેમણે આજીવન સતત કાર્ય કર્યું છે. તેવા ગાંધીજીને ક્રૂર રીતે મારનાર નથુરામ ગોડસેની મૂર્તિ ગુજરાતમાં જામનગર ખાતે બનવામાં આવે છે અને આ બાબતે ભાજપના વડાપ્રધાન, ગૃહપ્રધાન કે મુખ્યપ્રધાન મૂર્તિ લગાવવા અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. તે પણ સરદારની ભૂમિ પર, ગાંધીજીની ભૂમિ પર આ પ્રકારની મૂર્તિઓ બનાવનારા દેશદ્રોહીઓ છે.

આ દેશદ્રોહીઓ ઉપર દેશદ્રોહનો ગુનો લગાવવો જોઈએ. મૂર્તિ લગાવનાર સાથે રહેનાર તેમજ આ મૂર્તિ બનાવનારાએ દેશનું અપમાન કર્યું છે. આવા લોકો આતંકવાદીઓ કરતા પણ ભૂંડા છે. જેથી દેશદ્રોહનો ગુનો લગાડી તેમની ધરપકડ કરવી જોઈએ. આ પ્રકારની મૂર્તિ લગાવનારા લોકો સામે દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઇએ. તે બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ.

આ મામલે સરકાર સંવેદનશીલ છે- જીતુ વાઘાણી
જામનગરમાં ગોડસેની પ્રતિમાને લઈ રાજનીતિ ગરમાઈ છે ત્યારે કૉંગ્રેસ દ્વારા પ્રતિમાની સ્થાપના કરનારાઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહી છે. ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પણ કહ્યું હતું કે, સરકાર આ વિચારધારાને સમર્થન નથી કરતી અને આ મામલે સરકાર સંવેદનશીલ છે. આ મામલે યોગ્ય પગલાં ભરવા આદેશો કરવામાં આવ્યા છે. પ્રતિમાના 48 કલાક સુધી કોઈ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી ના હોવાના મામલે વાઘણી એ ખુલાસો કર્યો હતો કે, કાર્યવાહી ના થઇ હોવાના મુદ્દે પણ સરકાર તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...