દેશના પ્રથમ એવા્ સ્કુલ ઓફ એક્સલન્સ સેન્ટર-વિદ્યા સમીક્ષા કેન્દ્રની શરૂઆત ગાંધીનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, શિક્ષણક્ષેત્રે આ પ્રકારની ટેકનોલોજીયુકત સેવાને પગલે શિક્ષણની ગુણવત્તાને લઇને પગલે મોટેપાયે પરિવર્તન આવી શકે છે. રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2.5 લાખ કરતાં વધારે શિક્ષકો અને 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્યથી આ સેન્ટર તૈયાર કરાયું છે. ગાંધીનગર ખાતેનું આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું છે? એની કામગીરી શું છે? એનાથી કોને શું ફાયદો થશે? વગેરે બાબતો વિશે વિગતવાર જાણીએ.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું છે?
ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષક, 10 હજાર જેટલો સુપરવિઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે, જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના આશરે 51% જેટલા છે. આ તમામ કર્મચારીઓનું અસરકારક મોનિટરિંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમનું સતત મોનિટરિંગ તેમજ સુધારણા માટે ટેક્નોલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી.
એના ભાગરૂપે પ્રથમવાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ માટે વર્ષ 2019માં શિક્ષણક્ષેત્રનું દેશનું સૌપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈન્પુટ તેમજ એના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઊચો આવે એ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે, જેમાં વેબ પોર્ટલ અને એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, સુપરવાઈઝર અને અન્ય અધિકારીઓ અંગેનો તમામ ડેટા ભેગો કરવામાં આવે છે અને એને શિક્ષણ વિભાગ તેમજ ડેશબોર્ડ્સ દ્વારા મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર પણ સતત પૂરો પાડવામાં આવે છે.
રાજ્યનાં મહાનગરોથી લઇને દુર્ગમ પહાડી પરના આદિવાસી વિસ્તારની સ્કૂલ, વિદ્યાર્થી, શિક્ષકોનું સીધું મોનિટરિંગ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી થાય છે, જેમાં ઓનલાઈન પોર્ટલ મારફત હાજરી પૂરવામાં આવે છે તેમજ શિક્ષણ વિભાગને વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક 500 કરોડ ઉપરાંતનો શાળા કક્ષાનો ડેટા ઉપલબ્ધ થાય છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી
આ વિશ્વકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રના બે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમબદ્ધ 50 શિક્ષક દ્વારા સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું ઓનલાઈન પોર્ટલ, એપ્લિકેશન તેમજ વીડિયો કોલના માધ્યમથી સતત મોનિટરિંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
પોર્ટલ અને એપ્લિકેશનના માધ્યમથી ડેટા મેળવે છે
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા વેબ પોર્ટલ અને એપ્લિકેશનના માધ્યમથી છેલ્લાં અઢી વર્ષમાં એકમ કસોટી (પીએટી), સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના 500 કરોડ કરતાં વધુ ડેટા પોઈન્ટ્સનું એનાલિસિસ થશે.
ડેટા પરથી શાળાકીય શિક્ષણના નીતિવિષયક નિર્ણયો લેવાય છે
તમામ ડેટાનું મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને બિગ ડેટા એનાલિટિક્સના માધ્યમથી મીનિંગફુલ એનાલિસિસ કરી એનો શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
વીડિયો કોલિંગથી વિદ્યાર્થીને શું ભણાવાઈ રહ્યું એની પણ ચકાસણી
આ સેન્ટર થકી મોબાઇલ-ટેબ્લેટથી વીડિયો કોલિંગ દ્વારા વિદ્યાર્થીને અત્યારે કયા વિષયનો કયો પાઠ કે ચેપ્ટર ભણાવાઇ રહ્યું છે એની ચકાસણી પણ થાય છે. વિદ્યાર્થીની દરેક પરીક્ષાની ઉત્તરવહી કંટ્રોલ સેન્ટરમાં બેઠાં બેઠાં જોઇ શકાય છે, જેથી કરીને કોઇ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થતી નથી એનું સીધું નિરીક્ષણ થાય છે. વિદ્યાર્થીના ભણતરને વધુમાં વધુ સુચારું અને સુદ્દઢ બનાવી શકાય એ મુખ્ય હેતુ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કામ કરે છે.
અંતરિયાળ વિસ્તારમાં કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષક નિમાય છે
ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલના નિરીક્ષણના કારણે અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનું જૂથ બનાવીને એમાં કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે. મોડી હાજરી પૂરી હોઇ કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે એની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી જ ખબર પડે છે.
મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે
વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ વિભાગના તમામ ઇન્ટરવેન્શન્સ માટે નર્વ સેન્ટર તરીકે કાર્યરત છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ તમામ ઈનિશિએટિવ માટે ખાસ ડેશબોર્ડ્સ તૈયાર કરવામાં આવેલાં છે. આ ડેશબોર્ડ્સ દ્વારા મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે.
નિયમિત સત્રાંત, વાર્ષિક અને એકમ કસોટીનું આયોજન
આ ઉપરાંત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે નિયમિત સત્રાંત, વાર્ષિક અને એકમ કસોટીના આયોજનથી વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં સતત સુધારો જોવા મળ્યો છે. આ કસોટીઓ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સૂચવ્યા મુજબના લર્નિંગ આઉટકમ આધારિત હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તૈયાર કરીને 15 કરોડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે.
આનાથી કોને શું ફાયદો થશે?
શાળાઓને તેમના વિકાસ માટે આયોજન કરવામાં મદદરૂપ
રાજ્યની તમામ શાળાઓના સર્વાંગી મૂલ્યાંકન માટે ગુણોત્સવ 2.0 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ગુણોત્સવ 2.0ના તમામ ડેટાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા રાજ્યની તમામ સરકારી શાળાઓના જુદા જુદા 61 માપદંડો પર એક્રેડિટેશન પૂર્ણ કરી એનું વિગતવાર એનાલિસિસ કરીને દરેક શાળાને તેમનું રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યું છે, જે શાળાઓને તેમના વિકાસ માટેનું આયોજન કરવામાં મદદરૂપ બની રહ્યું છે.
શિક્ષકો પરથી વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા સોફ્ટવેર તૈયાર કરાયું
આ સિવાય શાળાઓના મુખ્ય શિક્ષકો પરથી વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા તથા સમગ્ર વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે, જેથી મુખ્ય શિક્ષકોનો સમય હવે બાળકોના વધુ સારા અભ્યાસમાં મદદરૂપ બનશે.
વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં સતત સુધારો
રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે નિયમિત સત્રાંત, વાર્ષિક અને એકમ કસોટીના આયોજનથી વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં સતત સુધારો જોવા મળશે.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સુપરવાઇઝરી સ્ટાફ વધુ નિયમિત બનશે
ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાથી અને વિદ્યાર્થીઓ-શિક્ષકો વધુ નિયમિત બનશે. ઉપરાંત એપ્લિકેશનના અમલ બાદ સુપરવાઇઝરી સ્ટાફની શાળા મુલાકાતમાં પણ આશરે 20% જેવો વધારો જોવા મળ્યો, જેથી તેમની શાળા મુલાકાત અને સપોર્ટ સુનિશ્ચિત કરી શકાશે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આવેલા સુધારાઓ
સુપરવાઇઝરી સ્ટાફની શાળા મુલાકાતમાં 20% જેવો વધારો
રાજ્યના તમામ સુપરવાઇઝરી સ્ટાફનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન દ્વારા સતત રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી તેમની શાળા મુલાકાત અને સપોર્ટ સુનિશ્ચિત કરી શકાય. આ એપ્લિકેશનના અમલ બાદ સુપરવાઇઝરી સ્ટાફની શાળા મુલાકાતમાં આશરે 20% જેવો વધારો જોવા મળ્યો છે.
વિશ્વમાં માઈક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગમાં ગુજરાતને ત્રીજું સ્થાન
શિક્ષણ વિભાગ દ્વારા નવતર પહેલરૂપી હોમ લર્નિંગના ભાગરૂપે કોવિડના સમયગાળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સતત શિક્ષણ મળી રહે એ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાત વર્ચ્યુઅલ શાળા મારફત આશરે 8 કરોડ વ્યૂ સાથેની યુટ્યૂબ ચેનલ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગમાં ગુજરાત ત્રીજું સ્થાન ધરાવે છે. દીક્ષા પોર્ટલ પર સતત પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમોની વ્યૂઅરશિપમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લાં બે વર્ષથી સતત પ્રથમ સ્થાને છે.
પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું નામાંકન સુનિશ્ચિત બન્યું
વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત રાજ્યમાં પહેલીવાર શાળા પ્રવેશોત્સવ 2.0 અંતર્ગત ‘એનરોલમેન્ટ ટુ એટેન્ડન્સ’ અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. અત્યારસુધી લગભગ 100% નામાંકન સુનિશ્ચિત કરવામાં આવતું હતું, પરંતુ હવે એને ડેટા આધારિત કરવામાં આવ્યું છે. રાજ્યની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ધોરણ એકમાં પ્રવેશપાત્ર તમામ વિદ્યાર્થીઓને ઓળખી કાઢીને વર્ષ 2019-20માં 100.3%, 2020-21માં 100.1% અને વર્ષ 2021-22માં 100% નામાંકન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
13.5 લાખ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવતા થયા
વધુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાથી એક વર્ષમાં 80%થી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 26% અને શિક્ષકોની સંખ્યામાં 9%નો વધારો જોવા મળ્યો, એટલે કે લગભગ 13.5 લાખ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવતા થયા છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરીની નોંધ
તમામ રાજ્યોને આ કેન્દ્રના મોડલનું અનુકરણ કરવા જણાવાયું
વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી તથા ઉપયોગિતા અને તેના દ્વારા મળેલાં પરિણામોની નોંધ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ સચિવ, હાયર અને ટેક્નિકલ શિક્ષણ સચિવ, સીબીએસઇના ચેરમેન, નીતિ આયોગના ડાયરેક્ટર જનરલ અને નીતિ આયોગના સિનિયર એડવાઇઝર દ્વારા રૂબરૂ મુલાકાત લઇ ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ દ્વારા એક વિશેષ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમના દ્વારા દેશનાં તમામ રાજ્યોને ગુજરાતના આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મોડલનું શિક્ષણક્ષેત્રે અનુકરણ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
વિવિધ રાજ્યોનાં પ્રતિનિધિમંડળોએ પણ મુલાકાત કરી
દેશનાં અન્ય રાજ્યો, જેવા કે અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ વગેરે રાજ્યોના શિક્ષણ વિભાગના સચિવની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી છે. આ બધાં જ રાજ્યો દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી પ્રેરણા લઈ તેમના રાજ્યમાં આ જ પ્રકારનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપવાની દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા છે.
વર્લ્ડ બેંક સહિતની સંસ્થાઓના પ્રતિનિધિમંડળો દ્વારા રૂબરૂ મુલાકાત
વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરીની નોંધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જેવી કે વર્લ્ડ બેંક, OECD, બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર, યુનિસેફ, કેમ્બ્રિજ વગેરેનાં પ્રતિનિધિ મંડળો દ્વારા રૂબરૂ અભ્યાસ મુલાકાત કરવામાં આવી છે. તાજેતરમાં વર્લ્ડ બેન્કના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રૅક્ટિસ તરીકે વિશ્વના અન્ય દેશો સમક્ષ લઈ જવાનો નિર્ણય કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.