ખેડૂતોની રજૂઆત:‘જમીનમાં પાણી નથી, ગામનાં તળાવ ભરાતાં નથી, ખેતી કેવી રીતે કરવી’

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુજરાતનાં 25 ગામના ખેડૂતોની સચિવાલયમાં રજૂઆત
  • ઓટલપુરના તળાવ માટેનો વાલ્વ બંધ કરી દેવાની ફરિયાદ

શિયાળા દરમિયાન પણ રાજ્યમાં અનેક સ્થળોએ સિંચાઇ માટે પાણીની સમસ્યાઓ સર્જાઇ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોને પાણીની મુશ્કેલી પડી રહી છે. મહેસાણા અને પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં સુજલામ સુફલામ યોજના હેઠળ આવતા હોવા છતાં તળાવો ભરાતા નહીં હોવાની ફરિયાદ સાથે આ તળાવોમાં પાણી ભરીને સિંચાઇ માટે ખેડૂતોને આપવા માટે ગ્રામજનોએ સચિવાલય પહોંચી રજૂઆત કરી હતી.

સતલાસણા અને ખેરાલુ આસપાસના 25 ગામના આગેવાનો પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સાથે સચિવાલય પહોંચ્યા હતા અને પાણી પુરવઠા- સિંચાઇ મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતા. આ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં પાણીના તળ ઘણા ઉંડા ગયા છે જેથી બોરમાં પાણી આવતું નથી.

આ વિસ્તારમાં આવેલા ઓટલપુર ગામનું તળાવ સુજલામ સુફલામ યોજના હેઠળ આવે છે છતાં તેમાં પાણી છોડવામાં આવતું નથી. ગ્રામજનોએ એવી પણ ફરિયાદ કરી હતી કે તંત્રના અધિકારીઓ દ્વારા ઓટલપુર તળાવમાં પાણી છોડતી લાઇનનો વાલ્વ પણ બંધ કરી દેવામાં આવ્યો છે જેથી અન્ય તળાવને પાણી અપાય છે પરંતુ ઓટલપુરને પાણી અપાતું નથી. પાણીની તકલીફને કારણે આ વિસ્તારના 25 ગામના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો અંગે સિંચાઇ મંત્રી કુંવરજી બાવળીયા સાથે મીટીંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...