ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધવાને કારણે 23 ડિસેમ્બરે સ્કૂલો ખોલવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે. જો હવે સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર 31 ડિસેમ્બર પછી સ્કૂલો શરુ કરે તેવી કોઈ શક્યતાઓ નથી. તે સંજોગોમાં ધોરણ 1થી8માં ભણતા વિદ્યાર્થીઓને ઝીરો વર્ષ ગણીને માસ પ્રમોશન આપવું પડે તેવી સ્થિતિ છે. જ્યારે ધોરણ 9 અને 11માં માત્ર ત્રણ મુખ્ય વિષયની વાર્ષિક પરીક્ષા લઈને પરિણામ જાહેર થઈ શકે તેમ છે. પરંતુ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે તેમાં પણ 50 ટકા અભ્યાસક્રમ અને OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી શક્યતાઓ છે.
સામાન્ય રીતે સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર 15 જૂનથી શરુ થાય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે સ્કૂલો મોડી શરુ થઈ અને ઓનલાઈન શરુ થઈ. આજ દિન સુધી ઓફલાઈન સ્કૂલો શરુ થઈ શકી નથી. અને 31 ડિસેમ્બર સુધીમાં સ્કૂલો શરુ થઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે 15 જૂનથી 31 ડિસેમ્બર સુધીના 200 દિવસ જેટલું શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓને ઓનલાઈન કરાવવામાં આવ્યું છે પરંતુ તેમાં અભ્યાસક્રમ ઓફલાઈનની જેમ ભણાવવામાં આવ્યો નથી. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર માઠી અસર પડી છે. 31 ડિસેમ્બર પછી પણ સ્કૂલો શરુ થાય તો પણ મે મહિના સુધી સ્કૂલો ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેમાં ખાસ કરીને ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરુ કરવાનો કે પરીક્ષાનો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ડિસેમ્બર પછી સ્કૂલ શરૂ થાય તો અભ્યાસ નક્કી કરવો મુશ્કેલ
અગાઉ રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રહેશે તેવી જાહેરાત સરકારે કરી હતી. જોકે દિવાળી પછી પણ સ્કૂલો શરૂ થઈ શકી નથી. ગત માર્ચ મહિનાથી ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ 70 % વિદ્યાર્થીઓ તો ઓનલાઇનમાં અભ્યાસ કરી શકતા નથી, તો 30% બાળકો ઓનલાઇન ભણે છે. જો સ્કૂલો ડિસેમ્બર મહિના સુધી બંધ રહે તો વિદ્યાર્થીઓના અભ્યાસના 200થી વધુ દિવસ બગડશે અને અભ્યાસ માટે માત્ર 60 દિવસ જ મળશે. આટલા દિવસમાં સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકાય તેમ નથી. આ સ્થિતિમાં ગુજરાત શિક્ષણ બોર્ડ પણ અભ્યાસક્રમમાં 30 ટકા કાપ મુક્યો છે અને હજી 50 ટકાથી વધુ કાપ મૂકવાની તૈયારીમાં લાગ્યું છે. તો પણ જો સ્કૂલો ડિસેમ્બર પછી શરુ થાય એવી સ્થિતિ સર્જાય તો અભ્યાસક્રમ નક્કી કરવો મુશ્કેલ બની શકે છે.
2020-21નું 90 દિવસનું સત્ર જ બાકી રહ્યું છે
વાલી મંડળે સરકારને રજુઆત કરતાં કહ્યું છે કે હવે 2020-21ના સત્રના 60 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે સ્કૂલોએ પોતાની રીતે મૂલ્યાંકન કરીને માસિક અથવા ત્રિમાસિક પરીક્ષા યોજી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે સરકારને રજુઆત કરવી જોઈએ. આ પગલાંને લીધે કરોડો વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્યની સુરક્ષા થશે. તે ઉપરાંત નવું સત્ર 21 એપ્રિલથી શરુ થવાનું છે તેમાં તમામ ગ્રાન્ટેડ નોન-ગ્રાન્ટેડ, સ્વનિર્ભર સહિતની સ્કૂલો અને શિક્ષણ વિભાગને પણ સવલત રહેશે. વાલી મંડળનું કહેવું છે કે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, વાલીઓનું હિત જળવાય અને આગામી સત્ર રાબેતા મુજબ શરુ થાય તે માટે આ રજુઆત કરવામાં આવી છે.
માસ પ્રમોશન આપવાની માગ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ દ્વારા પણ અભ્યાસક્રમમાં ઘટાડાની તરફેણ કરવામાં આવી છે. વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કોરોનાની વર્તમાન સ્થિતિને જોતાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી હતી, જયારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની 3 જ વિષયની પરીક્ષા લેવાની માગ કરી હતી અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાની હોય તો વાલીઓને ઝડપથી જાણ કરવામાં આવે. હાઈકોર્ટના હુકમના અનુરોધમાં વાલીમંડળની એવી પણ માગ છે કે સ્કૂલો જ્યારથી બંધ છે અને જ્યારે ચાલુ થશે એ દરમિયાનની ટ્યૂશન ફીમાં સંપૂર્ણ માફી આપવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.