અઘોષિત લૉકડાઉન!:અમદાવાદમાં કર્ફ્યૂ પછી 300 એસટી બસ બંધ, 1700 લગ્ન અટક્યાં; સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજથી નાઇટ કર્ફ્યૂ

ગાંધીનગર2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રેસ-કોન્ફરન્સને સંબોધી રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. - Divya Bhaskar
પ્રેસ-કોન્ફરન્સને સંબોધી રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ.
 • સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા થઈ
 • રાજ્યમાં મોટા પ્રમાણમાં કોરોનાનું ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું
 • મહદંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ

ગુજરાત સરકારે અમદાવાદ શહેરમાં શનિ-રવિના દિવસો દરમિયાન સદંતર કર્ફ્યૂ જાહેર કર્યા બાદ હવે અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ શુક્રવારથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના વધી રહેલા નવા કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે.

મુખ્યમંત્રીએ નિવાસસ્થાને બેઠક કરી
આ પૂર્વે બપોરના સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફરીથી લૉકડાઉન આવી શકે છે તેવી વાતને ફગાવી દીધી હતી, પરંતુ સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી રાજ્યની કોરોના અંગેની કોર કમિટીની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે જરૂર પડ્યે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અન્ય નિર્ણય કરવા યોગ્ય હશે તો એ પણ સરકાર કરશે.

કર્ફ્યૂ અંગેની તમામ સૂચનાઓ જાણવા માટે અહીં ક્લિક કરો

છેલ્લા દસ દિવસથી આંકડા સતત વધી રહ્યા
દરમિયાન ગુજરાતમાં શુક્રવારે એકસાથે કોરોનાના 1,420 નવા દર્દી નોંધાયા હતા. બરાબર 53 દિવસ બાદ રાજ્યમાં ફરી કોરોનાના નવા કેસનો આંકડા 1,400નો આંક વટાવી ગયા છે. છેલ્લે, 28 સપ્ટેમ્બરે રાજ્યમાં 1,404 કેસ નોંધાયા હતા અને ત્યાર પછી કેસમાં ઘટાડો થયો હતો. છેલ્લા દસ દિવસમાં કોરોનાના કેસનો આંકડા સતત વધી રહ્યા છે અને હજુ એ થોડા વધવાની શક્યતા છે. શુક્રવારે નોંધાયેલા આંકડો અત્યારસુધીમાં રાજ્યમાં એક જ દિવસની અંદર નોંધાયેલા સૌથી વધુ કેસની નજીક છે. ગુજરાતમાં 25 સપ્ટેમ્બરે રેકોર્ડ બ્રેક 1,441 દરદી નોંધાયા હતા, જ્યારે શુક્રવારે નોંધાયેલા કેસને લગભગ સરખા જ દર્દીઓ 26 સપ્ટેમ્બરે 1,417 નોંધાયા હતા.

લોકડાઉન દરમિયાનની નિયત સમયમર્યાદા લાદવી પડે એવું જરૂરી
રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોરોનાનું સંક્રમણ ખૂબ વધશે તો ચાર મહાનગર ઉપરાંત જે સ્થળે સ્થિતિ ગંભીર હોય ત્યાં કર્ફ્યૂ લદાઇ શકે છે. માત્ર આવશ્યક સેવાઓ સિવાયની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધો લદાઇ શકે છે. આવશ્યક સેવાઓ માટે પણ અગાઉ લૉકડાઉનના સમય દરમિયાન લદાયેલી નિયત સમયમર્યાદા લાદવી પડે તેવું જરૂરી હોય તો એ પણ લાદવામાં આવશે. ગુજરાતમાં કોરોના સંક્રમણની સેકન્ડ વેવ આવી ગઈ છે તેવું સરકારી સૂત્રો જણાવે છે. નીચા આવેલા તાપમાન અને તેથીય વિશેષ દિવાળી તથા નવરાત્રિના તહેવારો દરમિયાન મોટા પ્રમાણમાં બજારોમાં ઊમટેલી ભીડને કારણે આ સંક્રમણ ખૂબ વકર્યું હોવાની સ્થિતિ છે.

ID કે ડોક્યુમેન્ટ્સ બતાવનારને જવા દેવાશે
જીવનજરૂરી વસ્તુઓ, જેમ કે દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપનીઓ, ઈલેક્ટ્રિક અને પાણી સપ્લાઇ કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને નિયત આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ્સ જોઇ જવા દેવાશે.

વિમાન અને રેલવે પ્રવાસીઓને ટિકિટ બતાવી જઈ શકશે
અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર આવતા-જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ કર્ફ્યૂના બે દિવસમાં અમદાવાદ શહેરમાં પ્રવેશ અને પ્રસ્થાન કરવા દેવાશે. અમદાવાદ રેલવે સ્ટેશને ઉતરનારા મુસાફરો માટે ખાસ સિટી બસની વ્યવસ્થા પણ કરાઈ છે.

કર્ફ્યૂ વચ્ચે અમદાવાદમાં CA સહિતની પરીક્ષા યોજાશે
કર્ફ્યૂ દરમિયાન CA, NIC, CSIR, SSC સહિતની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને એડમિશન કાર્ડ બતાવી પરીક્ષા કેન્દ્ર પર જવા દેવામાં આવશે. એ સિવાય જરૂરી આઈડી ડોક્યુમેન્ટ્સ સાથે બે દિવસમાં અમદાવાદ શહેરમાં કર્ફ્યૂમાં ઉમેદવારો જઈ શકશે.

લગ્નો કે અન્ય પ્રસંગો માત્ર સવારે થશે
આવા સમયમાં સૌથી વધુ ચિંતા લગ્ન કે અન્ય શુભ પ્રસંગોનું આયોજન કરીને બેઠેલા પરિવારોને છે, પરંતુ સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે આવા પ્રસંગો દિવસના સમય દરમિયાન એટલે કે કર્ફ્યૂ ન હોય એ સમય દરમિયાન જ રાખવાના રહેશે તથા મહેમાનોની મર્યાદા 200 વ્યક્તિની રહેશે. યજમાને સંબંધિત પોલીસ સ્ટેશને પ્રસંગે આવનારા 200 લોકોની યાદી આપીને નોંધણી કરાવવાની રહેશે, પરંતુ આયોજન મોકૂફ કરવું પડે એવું નહીં થાય.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું પ્રમાણ વધ્યું નથી, માત્ર શહેરોની જ સમસ્યા
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વધ્યું નથી, પરંતુ માત્ર શહેરી વિસ્તારોમાં જ આ સમસ્યા વધુ છે. તહેવારો દરમિયાન શહેરોમાં જે ભીડ થઇ હતી તેવી ગ્રામ્ય વિસ્તારો કે અન્ય નાનાં નગરોમાં થઈ નથી, તેથી ત્યાં સંક્રમણ કાબૂમાં છે અથવા અહીં કેસોમાં ખૂબ વધારો થયો નથી. તેમ છતાં અઢી કરોડની વસતિવાળા દિલ્હીમાં રોજના 5થી 6 હજાર કેસ આવે છે, તેની સામે 6.30 કરોડની વસતિવાળા ગુજરાતમાં હવે દૈનિક કેસો 1,400થી 1,500 પર પહોંચ્યા છે.

સુરત, વડોદરા, રાજકોટની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ
નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદની પદ્ધતિ પ્રમાણે જ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આગોતરા પગલાં તરીકે સાવચેતીના ભાગરૂપે કોઇ મોટી સંખ્યામાં આ ત્રણેય શહેરમાં કેસનો વધારો ન થયો હોવા છતાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. ગઇકાલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1340 હતી, એ આજે 1420 થઇ છે. મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. મહદંશે કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યા છીએ.

બસોએ શહેરોની બાયપાસ રોડ પરથી પસાર થવાનું રહેશે
કર્ફ્યુ દરમિયાન વિમાન કે રેલવે સેવા પર કોઇ પ્રતિબંધ નથી, પરંતુ એસટી બસ સેવા પ્રભાવિત થશે. કર્ફ્યુના કલાકો દરમિયાન બસો આ ચાર શહેરના વિસ્તારમાંથી પસાર થઇ શકશે નહીં, પરંતુ તે બાયપાસ રોડ પરથી પસાર થશે. આ ઉપરાંત મુસાફરો કે તેમને લેવા મૂકવા આવનારી વ્યક્તિ ટિકિટની કોપી દર્શાવીને અવરજવર ચોક્કસ માર્ગો પર કરી શકશે. પરીક્ષાઓમાં કે ઇન્ટર્વ્યુમાં પ્રવેશ કાર્ડ દર્શાવનારા વિદ્યાર્થીઓ પણ અવરજવર કરી શકશે. મેડિકલ ઇમર્જન્સી કે સેવા સાથે સંકળાયેલા લોકોને, દવા દૂધ માટેની આવશ્યક વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન પણ થઇ શકશે.

ગાંધીનગરની સરકારી કચેરીમાં આવતા કર્મચારીને શનિવારે રજા
અમદાવાદમાં શનિ-રવિ દરમિયાન કર્ફ્યૂ હોવાથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે શનિવારે રજા રહેશે. તેમનો આ દિવસ માટેનો પગાર કપાશે નહીં. આ ઉપરાંત તમામ શહેર કે અન્ય સ્થળોએ સરકારી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને પોતાના વાહનથી અવરજવર માટે રોકટોક રહેશે નહીં.

1200 બેડની હોસ્પિટલમાં નવાં 120 બેડ ઉમેરાશે
1200 બેડની હોસ્પિટલમાં 971 દર્દી દાખલ છે. 1200 બેડની હોસ્પિટલમાં હજુ 60 ICU બેડ ખાલી છે. 1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે. સોલામાં હાલ 400 આઇસોલેશન વોર્ડ અને ICUના 50 બેડ છે. સોલા સિવિલમાં કોરોનાના સામાન્ય 270 દર્દી સારવાર હેઠળ છે. ગાંધીનગર સિવિલમાં પણ 230 નોન-ક્રિટિકલ દર્દી સારવાર હેઠળ છે.

ગુજરાતમાં લોકડાઉન નહીં
અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં 57 કલાક સુધી કર્ફ્યૂ રહેશે
અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે. અગાઉ અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. પરિણામે, અમદાવાદની પરિસ્થિતિ વણસી હોય તેવાં સ્પષ્ટ એંધાણ છે. વેકેશન દરમિયાન બહારગામ ગયેલા લોકો શુક્રવારે શહેરમાં પરત આવવા ધસારો કરશે. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

કર્ફ્યૂ દરમિયાન શું ચાલુ રહેશે?
દૂધ, દવાની દુકાનો, હોસ્પિટલો, આવશ્યક વસ્તુઓની ટ્રાન્સપોર્ટ સેવા, વિમાન અને રેલ સેવા, પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક સમાચાર માધ્યમોને લગતી સેવાઓ, સરકારી સેવાઓ, વગેરે.

આ બંધ રહેશે

 • શહેરમાં એસટી નિગમની બસોનું સંચાલન બંધ.
 • છૂટ આપી હોય એ સિવાયની તમામ પ્રકારની દુકાનો.
 • રહેણાક મકાનની બહાર નીકળવા પર મનાઈ.
 • શેરીઓ કે જાહેર રસ્તાઓ પર ઊભા રહેવાની મનાઈ.
 • છૂટ સિવાયના પગપાળા કે વાહનો દ્વારા હરવા-ફરવાની મનાઈ.
 • મંજૂરી સિવાયના કોઇપણ આયોજન પર પ્રતિબંધ

આ તમામ સેવા સાથે સંકળાયેલા લોકોને કર્ફ્યુમાંથી મુક્તિ...

 • મીડિયા અને અખબાર સાથે સંકળાયેલી તમામ વ્યકિત(અખબાર વિતરણ કરતા ફેરિયા સહિત).
 • જાહેર અને ખાનગી ક્ષેત્ર સાથે સંકળાયેલા તબીબો.
 • દૂધ વિતરણ-મેડિકલ સ્ટોર.
 • ખાનગી સિક્યોરિટી.
 • આવશ્યક ચીજ-વસ્તુઓના ઉત્પાદનકર્તા એકમો સાથે સંકળાયેલા લોકો.
 • અંતિમ સંસ્કારમાં 20 માણસ જોડાઈ શકે એ રીતે મંજૂરી.
 • લગ્ન પ્રસંગમાં સ્થાનિક પોલીસની મંજૂરી ફરજિયાત.
 • રેલવે-એરપોર્ટ પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃત્તિ.
 • રેલવે-એરપોર્ટ ઉપર આવતા-જતા મુસાફરોને લેવા-મૂકવા આવતી વ્યકિતઓને ટિકિટના આધારે જવા દેવાશે.
 • ATM-બેંકિંગ ઓપરેશન સાથે, કેશલોડ કરતી કંપનીઓ.
 • પરીક્ષાર્થીને માન્ય પ્રવેશપત્રના આધારે મંજૂરી.
 • તમામ પ્રકારની સરકારી સેવાઓ સાથે સંકળાયેલી વ્યકિતઓ.
 • પેટ્રોલ-ડીઝલ અને ગેસ સર્વિસ ચાલુ રહેશે.

10થી 15 દિવસમાં સ્થિતિ કાબૂમાં આવશે
દિવાળીના દિવસોમાં લોકો મોટે પાયે બહાર નીકળતાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાત્રિ કર્ફ્યૂ અમલમાં આવતાં આગામી 10થી 15 દિવસમાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે. તેમ છતાં લોકોએ માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ. ક્રિસમસને કારણે પશ્ચિમના દેશોમાં કોરોનાના કેસ વધવાની શક્યતા છે. - ડૉ. તેજસ પટેલ, રાજ્યની કોવિડ કોર કમિટીના સભ્ય.

આગ લાગી, હવે કૂવો ખોધ્યો
માસ્ક નહીં તો ટેસ્ટ થશેઃ પોઝિટિવ મળ્યા તો હોસ્પિટલમાં, નેગેટિવ આવો તો હવે દંડ થશે

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે આજે રાત્રે 9થી સોમવાર સવાર 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. શુક્રવારે સવારથી શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યો છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલ મોકલાશે અને નેગેટિવ આવે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે. સરકાર હવે રહી રહીને કડક બની છે.

સરકારનો આદેશઃ 925 બોન્ડેડ ડૉક્ટર 2 દિવસમાં હાજર થાઓ, નહીં તો કડક કાર્યવાહી થશે
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 925 બોન્ડ કરનારા એમબીબીએસ ડોક્ટરોને હાજર થવાનો આદેશ કર્યો છે. હાજર ન થનારા ડોક્ટરો સામે એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. બે દિવસમાં અમદાવાદ રાજકોટ સહિતના રાજ્યભરમાં વકરેલા કોરોનાને પગલે તાત્કાલિક અસરથી હાજર થવા સૂચના આપી છે. 11 માસના કરાર પર નિમણૂક પામેલા ડોક્ટરો હજુ ફરજ પર હાજર નથી થયા ત્યારે રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાંથી હાલના વર્ષે ગ્રેજ્યુએટની પરીક્ષા પાસ કરનારા ડોક્ટરોને કરાર આધારિત સર્વિસનો લાભ આપીને હોસ્પિટલમાં સેવાઓ લેવાની છે.

અન્ય સમાચારો પણ છે...