ગાંધીનગર જિલ્લામા ચોરીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. જિલ્લાની પોલીસ ગુના ઉકેલી શકતી નથી, તેના કરતા વધારે ગુના સામે આવી રહ્યા છે. ત્યારે ધણપ પાસે આવેલા એક પેટ્રોલપંપ ઉપર તસ્કરોએ એક લાખ રૂપિયાનુ ખાતર પાડ્યુ હતુ. મેનેજરની ઓફિસમા આવેલા બાથરૂમની બારીનો કાચ કાઢી અંદર પ્રવેશી રોકડની ચોરી કરવામા આવી હતી. આ બનાવની ચિલોડા પોલીસ મથકમા ચોરીની ફરિયાદ નોંધવામા આવી હતી.
મળતી માહિતી મુજબ કર્તવ્ય મહેન્દ્રકુમાર ઠક્કર (રહે, ઇન્ફોસિટી ટાઉનશીપ, ગાંધીનગર) ચિલોડા હિંમતનગર હાઇવે પર આવેલા ધણપ પાસે પેટ્રોલપંપ ધરાવે છે. ત્યારે પેટ્રોલપંપ ઉપર સવારથી બપોરના સમય સુધી હોય છે, ત્યારબાદ ઘરે કામગીરી કરતા હોય છે. તે દરમિયાન પેટ્રોલપંપ ઉપર કામ કરતા ફીલરે સવારના સમયે ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે, મેનેજરની ઓફિસમા આવેલા બાથરૂમની બારીના કાચ કાઢી પ્રવેશ કરી ચોરી કરી હતી.
રાત્રિ દરમિયાન સિક્યુરીટી ગાર્ડ હોવા છતા અજાણ્યા તસ્કરો દ્વારા પેટ્રોલપંપને ટાર્ગેટ કરવામા આવ્યો હતો. જેમા પેટ્રોલપંપ ઉપર થયેલી પેટ્રોલ ડીઝલની રોકડ રકમ ડ્રોઅરમા મુકવામા આવી હતી, તે 97400ની રોકડ અને સીસીટીવી કેમેરાનુ ડીવીઆર કિંમત 2 હજાર સહિત કુલ 99400ની માલમત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
આ બનાવને લઇને ચિલોડા પોલીસ મથકમા ચોરીની ફરિયાદ કરવામા આવતા વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે, જિલ્લામા ચોરીના બનાવો મોટા પ્રમાણમા સામે આવી રહ્યા છે, પરંતુ તેના પ્રમાણમા ગુનાના ભેદ ઓછા ઉકેલાય છે.ત્યારે આવી ઘટનાઓ બનતી જ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.