ગુડાના પ્રોજેક્ટ પર બ્રેક લાગી:ગાંધીનગર-કોબા હાઇવે રોડ પરથી 10.09 લાખની 18 ફૂટ લાંબી 164 ડકટાઈન આર્યનની પાણીની પાઈપોની ચોરી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુડા દ્વારા ટી.પી.સ્કીમ 1,2, અને 3 માં પાણીની પાઈપ લાઈન બિછાવવાની કામગીરી ચાલી રહી છે

ગાંધીનગર કોબા હાઇવે રોડ ટીપી સ્કીમ 1,2 અને 3 માં પાણીની પાઈપ લાઈન નાખવાનાં પ્રોજેક્ટ પર હાલ પૂરતી બ્રેક લાગી ગઈ છે. ખાનગી કંપની દ્વારા પાઈપ લાઈન બિછાવવા માટે રાજધાની હોટલ પાસે મૂકવામાં આવેલી આશરે 18 ફૂટ લાંબી 10.09 લાખની કિંમતની એકસામટી 164 પાઇપો ચોરાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાઇપોની ચોરી થતા ખાનગી કંપનીના કર્મીઓ દોડતા થયા
​​​​​​​
ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા ટીપી સ્કીમ 1,2 અને 3 માં પાણીની પાઈપ લાઈન બિછાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. જોકે, આ પ્રોજેક્ટ માટે કોબા - ગાંધીનગર હાઇવે રાજધાની પેટ્રોલપંપની નજીકમાં ઉતારવામાં આવેલી પાણીની મસમોટી આર્યન પાઇપો ચોરાઈ જતાં ખાનગી કંપનીના કર્મીઓ દોડતા થયા હત. રાત દિવસ ટ્રાફિકથી ધમધમતા હાઇવે રોડ પરથી એકસાથે આશરે 18 ફૂટ લાંબી 164 ડકટાઇન આર્યનની પાણીની પાઇપો ચોરાઈ જતાં તેની ભાળ મેળવવા ઈન્ફોસિટી પોલીસ મથકના દ્વાર ખટખટાવવા આવ્યા છે.
​​​​​​​અમદાવાદ ખાતે રહેતા પ્રવિણભાઈ પટેલ ભાગીદારીમાં પી દાસ ઇન્ફ્રાટ્રકચર પ્રા લી નામની કંપની ચલાવી રહ્યા છે. આ કંપનીમાં ચાર ભાગીદારો છે. કંપની સરકાર દ્વારા નવિન પાઇપ લાઇનો નાખવાની કામગીરી ટેન્ડર મારફતે કરતી હોય છે. જે અન્વયે હાલમાં ગાંધીનગર ગુડા દ્વારા નવિન બનતી ટી.પી.સ્કીમ 1,2 અને 3 માં ઉક્ત કંપની પાણીની પાઈપ લાઈન નાખવાનું કામ કરી રહી છે.
રાજધાની પેટ્રોલપંપની નજીકમાં પાઇપો મૂકવામાં આવેલી
ગઈકાલે તા. છઠ્ઠી ઓગસ્ટના રોજ સવારના આશરે નવેક વાગ્યાના કંપનીના એન્જીનિયર રવિન્દ્ર યાદવે ફોન કરીને પ્રવીણભાઈને કહેલું કે, ટીપી સ્કીમમાં પાણીની પાઈપ લાઈનો બિછાવવાની માટેની આર્યનની પાઇપો કોબા-ગાંધીનગર હાઇવે રાજધાની પેટ્રોલપંપની નજીકમાં રાખેલી તે ચોરાઈ ગઈ છે. આશરે 18 ફૂટ લાંબી ડકટાઇન આર્યનની પાઇપો ચોરાઇ ગયાની વાત સાંભળીને પ્રવિણભાઈ ગાંધીનગર દોડી આવ્યા હતા. ત્યારે માલુમ પડયું હતું કે તસ્કરો 10.09 લાખની કિંમત એકસામટી 164 પાણીની પાઈપ ચોરીને લઈ ગયા છે.
​​​​​​​ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો
​​​​​​​
બાદમાં કંપનીના માણસોએ ભેગા મળીને આસપાસના વિસ્તારોમાં પાઇપોની શોધખોળ આદરી હતી. પરંતુ પાઇપોનો કયાંય પત્તો લાગ્યો ન હતો. આ અંગે પ્રવિણભાઈએ તેમના ભાગીદારોને જાણ કરીને ઉક્ત સ્થળેથી ડકટાઇન આર્યનની કુલ 164 પાઇપો ચોરીની ફરિયાદ કરતાં ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડે ગુનો નોંધી આસપાસના વિસ્તારો સહિત કંપનીના માણસોની પણ પૂછતાંછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...