• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, The Youth Filed A Case Against The Builder Who Did Not Give The Flat As Per The Rules Of 'RERA', Learned The Legal Maneuver Through Social Media And Fought The Case On His Own.

બિલ્ડરને પાઠ ભણાવ્યો:ગાંધીનગરમાં 'RERA'ના નિયમો મુજબ ફ્લેટ ના આપનાર બિલ્ડર સામે યુવકે કેસ કર્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી કાનૂની દાવપેચ શીખી જાતે જ કેસ લડ્યો

ગાંધીનગર6 દિવસ પહેલા
ગૌરાંગ દેસાઈ, ફ્લેટ ધારક
  • 'RERA'કોર્ટ દ્વારા બિલ્ડરને 1.17 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો યુવકે 'RERA'કોર્ટમાં જાતે જ હિઅરીંગ કર્યું
  • એક વર્ષ, સાત મહિના અને દસ દિવસની કાનૂની લડત બાદ યુવાનની જીત

ગાંધીનગરના સરગાસણમાં ફ્લેટની ખરીદી કરનાર એક યુવકે યોગ્ય સુવિધા ના મળી હોવાની RERA એટલે કે રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં ફરિયાદ કરી હતી. જે અંગે RERAએ બિલ્ડરને 1 લાખ 17 હજારનો દંડ ફટકાર્યો હતો. મહત્વની વાત એ છે કે, યુવકે સોશિયલ મીડિયામાં કાનૂની દાવપેંચ શીખી જાતે જ લડત આપી હતી.

ભાનુશ્રી રિયાલિટી ગ્રુપના બિલ્ડરને દંડ ફટકારાયો
અમદાવાદની કોલેજમાંથી બાયો મેડિકલ એન્જિનિયરની ડિગ્રી હાંસલ કરનાર ગૌરવ જગદીશભાઈ દેસાઈ નામના યુવાને સરગાસણમાં આવેલી રેસિડેન્શિયલ ફ્લેટની સ્કીમમાં ભાનુશ્રી રિયાલિટી ગ્રુપના મૃગેશ ઝાલાવાડીયા પાસેથી વર્ષ 2019માં ત્રણ બેડરૂમ હોલ કિચન સાથેનો ફ્લેટ ખરીદ્યો હતો. જેનું પેમેન્ટ પણ જૂન - 2019 માં બિલ્ડર મૃગેશભાઈને ચૂકવી દીધું હતું. પરંતુ અગાઉથી જણાવેલ મુજબ ફ્લેટમાં માર્બલ ખરાબ ક્વોલિટી વાળા, ગેસ લાઈન, ઈન્ટર કોમ, એલોટેડ પાર્કિંગ વિગેરે સુવિધાઓનો અભાવ હતો. ફ્લેટમાં પ્લાસ્ટર પણ સરખું ન હોવાથી ભેજ આવતો હતો. તેમ છતાં નવેમ્બર - 2019 માં ફ્લેટનું પઝેશન આપી દેવાયું હતું.

બિલ્ડરે ઉડાઉ જવાબ આપતા કાનૂની લડત આપી
આ બધી સમસ્યાની ફરિયાદો કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવતું ન હતું. ત્યારે ગૌરવ દેસાઈએ બિલ્ડર મૃગેશભાઈ વિરુદ્ધમાં ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) માં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. એટલે બિલ્ડર દ્વારા અંગૂઠો બતાવીને આડકતરી રીતે ગૌરવને ચેલેંજ આપવામાં આપી હતી. બાદમાં ઘણો વિચાર કર્યા પછી ગૌરવે બિલ્ડર સામે કાનૂની લડત લડવાનો નિર્ધાર કરી લીધો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી કાનૂની દાવપેંચ જાણ્યું
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગૌરવે જણાવ્યું હતું કે, બિલ્ડરે અંગૂઠો બતાવીને "રેરા" માં ફરિયાદ કરવાનો સૂચક ઈશારો કરવામાં આવ્યો હતો. જેથી મેં ઓથોરિટીની વેબસાઈટ તેમજ યુ ટ્યુબનાં અઢળક વીડિયો જોવાનું ચાલુ કરી દીધું હતું. યુ ટ્યુબ પર મહા રેરા, હરિયાણા રેરા સબબના વીડિયો જોયા હતા. ગુડગાંવમાં મોટી સંખ્યામાં ફ્લેટ બનેલા છે અને ઘણા ફ્લેટ ધારકોએ રેરામાં ફરિયાદ કરવાં સહિતના વીડિયો અપલોડ કરેલા છે. જે વીડિયો જોઈ જોઈને મેં જાતે જ એક આખી ફોર્મેટ તૈયાર કરીને 11 મી માર્ચ 2020 માં રેરા ઓથોરિટીમાં મલ્ટીપલ ડેફિસિયન્સી (ઉણપો વાળુ) અંતર્ગત ફરિયાદ દાખલ કરી દીધી હતી. ત્યારે કોરોના મહામારીના કારણે હિઅરીંગ શકય બન્યું નહીં. અને તા. 13/07/2020 ના રોજ પહેલું હિઅરીંગ થયું હતું.

ખાનગી એજન્સી પાસે મિલ્કતનો સર્વે કરાવ્યો
અરજદારને ઓથોરિટી દ્વારા બિલ્ડર વિરુદ્ધ વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાનો આદેશ કરાયો હતો. હવે એવિડન્સ શોધવા માટે ફરીવાર અઢળક વેબ સાઈટ્સ ફેંદવાની શરૂઆત કરી ત્યારે જઈને 'ગુડા' એપ્રુવડ અમદાવાદની ખાનગી એજન્સીનો સંપર્ક સાધ્યો હતો. કેમ કે અહીં મિલ્કતનો સર્વે માટે કોઈ તૈયાર ન હતું. કોરોનામાં આંશિક છૂટછાટ મળતા જ અમદાવાદની એજન્સીને મારા ફ્લેટ પર સર્વે માટે બોલાવી હતી. એટલે સુધી કે એજન્સીના માણસોને પીપીઈ કીટની પણ સુવિધા કરી આપી હતી. જેનો સર્વે રિપોર્ટ મેળવી લઈ ફ્લેટમાં મેં જે જે સમારકામ કરાવ્યું તેનાં કારીગરો પાસેથી કામ કરાવ્યા અંગેની વિગતોના દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા. જે પુરાવા રેરામાં સબમીટ કરી દીધા હતા. જો કે રેરામાં દસ મુદત સુધી તો બિલ્ડર મૃગેશભાઈએ કોઈ જાતનો વળતો જવાબ આપ્યો ન હતો. અને 16 મુદત સુધી બિલ્ડર pતરફથી કોઈ હાજર પણ રહ્યું ન હતું.

અરજદારે સોસાયટીના લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો
આ દરમિયાન કોઈ કારણસર સોસાયટી કેટલાક લોકોએ ગૌરવ સામે નારાજગી દર્શાવી હતી. આખરે કંટાળીને મેં ભાડાના મકાનમાં છ મહિના સુધી રહેવા જવું પડયું હતું. આમ આ કેસ લડવામાં એક વર્ષ સાત મહિના અને 10 દિવસનો સમય વીતી ગયો હતો. પરંતુ ઓથોરિટી સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને રેરા ઓથોરિટીએ ભાનુશ્રી રિયાલિટીનાં મૃગેશ ઝાલાવાડીયા (રહે. અનુપમ કોલોની, બાપુનગર) ને કલમ 14(3) રિયલ એસ્ટેટ અધિનિયમ, 2016 ની જોગવાઈઓ હેઠળ ગૌરવને વળતર પેટે રૂ. 93 હજાર તેમજ ફરિયાદની તારીખથી વસુલાતની તારીખ સુધી 7 ટકા પ્લસ 2 ટકા (MCLR) નાં દરે વ્યાજ ચૂકવવા ઉપરાંત માનસિક વેદના અને હાલની કાર્યવાહીના અન્ય ખર્ચ પેટે પણ રૂ. 11 હજાર ચૂકવવા હુકમ કર્યો હતો.

બિલ્ડર દ્વારા વળતર પેટે 1.17 લાખ રૂપિયા ચૂકવાયા
બિલ્ડર દ્વારા ગૌરવને રૂ. 1 લાખ 17 હજાર 760 નો ચેક વળતર પેટે આપી દેવાની પણ ફરજ પડી હતી. નોંધનીય છે કે ગૌરવ દેસાઈએ પોતાની લડત માટેના દાવ પેચ આપમેળે જ સોશિયલ મીડિયાના માધ્યમથી શીખી લઈ બિલ્ડર સામે બાથ ભીડી લીધી હતી. અને એક વર્ષ સાત મહિના અને દસ દિવસની કાનૂની લડતનાં અંતે ગૌરવની જીત થઈ હતી. એટલે એમ કહી શકાય કે ટેક્નોલૉજીનો સદઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા હાંસલ કરી શકાય છે.

શું છે RERA?
રીયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમન અને વિકાસ માટે પ્લોટ્સ, એપાર્ટમેન્ટ કે અનન્ય રીયલ એસ્ટેટ પ્રોજેક્ટના અસરકારક અને પારદર્શી રીતે વેચાણની ખાતરી માટે, ગ્રાહકોના હિતોના રક્ષણ માટે તથા આ અંગેના વિવાદોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રીયલ એસ્ટેટ ઓથોરિટીની રચના વર્ષ 2017માં કરવામા આવી હતી. જે તે પ્રોજેક્ટમાં ગ્રાહકે રોકેલ નાણાં અન્ય જગ્યાએ ના વપરાય અને તે જ પ્રોજેક્ટના બાંધકામમાં વપરાય તે માટે કાયદામાં જોગવાઈ કરવામા આવી છે. ગ્રાહકને પ્રોજેક્ટ સંબંધિત કોઈપણ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ માળખું પણ રેરા પાસે ઉપલબ્ધ છે. લોકો જે મિલ્કત ખરીદવા માગતા હોય તે પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...