ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક મહિનો થવા છતાં હજુ સુધી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને મહેનતાણાની રકમ મળી નથી. આ અંગે કર્મચારીઓેએ પત્ર લખીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને દેશના ચૂંટણી પંચ સુધી ફરિયાદો કરી હતી. જે સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા તમામ કલેક્ટરોને બાકી રકમની ચૂકવણી 10 દિવસમાં કરી દેવા સૂચના આપવામાં આવી છે.
ચૂંટણી પંચના નિયમો મુજબ વિધાનસભા ચૂંટણીમાં કામગીરી કરનાર મતદાન સ્ટાફ અને ચૂંટણી લક્ષી કામગીરી માટે રોકાયેલા અન્ય સ્ટાફને મહેનતાણું ચૂકવવામાં આવે છે. આ ચુકવણી કરવાની જવાબદારી જે તે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટરની હોય છે પરંતુ મહિનો થવા છતાં કર્મચારીઓને મહેનતાણાના નાણાં મળ્યા નથી.
જેથી મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જે મુજબ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તથા ચૂંટણીલક્ષી કામગીરી માટે રોકાયેલા અન્ય સ્ટાફને તેમના મહેનતાણાના નાણાં 10 દિવસમાં ચૂકવી દેવામાં આવે તેમજ હવે કોઇ નાણાં ચૂકવવાના બાકી રહેતા નથી તે મતલબનું પ્રમાણપત્ર 15મી જાન્યુઆરી સુધીમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી આપવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.