• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Work Of Making 3 Roads Of Gandhinagar A Smart Road Has Not Been Completed Even In 2 Years Due To The Lack Of Permission From The Forest Department

અધૂરી કામગીરી:વન વિભાગની મંજૂરી ન મળતાં ગાંધીનગરના 3 માર્ગને સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી 2 વર્ષે પણ પૂરી થઈ નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડી કચેરીમાંથી મંજૂરી ન આવતા સ્માર્ટ રોડની કામગીરી પૂરી થઇ શકી નથી. - Divya Bhaskar
વડી કચેરીમાંથી મંજૂરી ન આવતા સ્માર્ટ રોડની કામગીરી પૂરી થઇ શકી નથી.
  • 3 રોડ પર મળીને કુલ 33 કિલોમીટર લંબાઇમાં સ્માર્ટ રોડ બનાવવાઈ રહ્યા છે
  • સેક્ટર-21 ખાતેના અંડરપાસ બાદ વધુ એક કામગીરીને ઝાડ કાપવાની મંજૂરી ન મળતાં અસર પહોંચી

ગાંધીનગરમાં સેક્ટર-21 ખાતેના અંડરપાસ બાદ વધુ એક કામગીરીને ઝાડ કાપવાની મંજૂરી ન મળતા અસર પહોંચી છે. શહેરમાં 60 કરોડના ખર્ચે શહેરના 6, 7 અને ગ રોડ એમ 3 માર્ગને સ્માર્ટ રોડ તરીકે વિકસાવાની કામગીરી ચાલી રહી છે. આ ત્રણેય માર્ગમાં સ્માર્ટ ક્રોસિંગ, ડિઝાઇનર ફૂટપાથ, સાઈકલ ટ્રેક બનાવાઈ રહ્યો છે. કોઈપણ પ્રકારના કૅબલ, પાઇપલાઇન પસાર કરવા માટે ડક્ટ્સ અપાઈ રહ્યાં છે.

3 રોડ પર મળીને કુલ 33 કિલોમીટર લંબાઇમાં સ્માર્ટ રોડ બનાવવાઈ રહ્યાં છે. જેમાં ત્રણેય માર્ગને ફોરલેનમાંથી સિક્સલેનમાં ફેરવાયા છે. સ્માર્ટ રોડની કામગીરી બે વર્ષ પહેલાંથી શરૂ કરાયેલી છે. રોડ પહોળા કરવાની અને ડામર પાથરવાની કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ, પરંતુ સાઈકલ ટ્રેક, ડક્ટ સહિતની કામગીરીમાં વાર લાગી રહી છે.

ગાંધીનગરમાં રોડની બંને બાજુએ આવેલી જમીન અને વૃક્ષો પર વન વિભાગની માલિકી છે. સાઈકલ ટ્રેક, ડક્ટ અને ફૂટપાથ જે સ્થળે આકાર પામી રહ્યા છે. ત્યાં અ ઘણાં સ્થળે ઘટાદાર વૃક્ષો આવેલા છે. વૃક્ષોને કાપતાં પહેલાં વન વિભાગની મંજૂરી લેવી જરૂરી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ મામલે વન વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. વન વિભાગે પણ નિયમ મુજબ દરખાસ્તને વડી કચેરીમાં મોકલી છે, પરંતુ હજુ સુધી મંજૂરી આવી નથી. જેને પગલે કામગીરીને અસર પહોંચી છે. અગાઉ કોરોનાના કારણે શ્રમિકો વતન જતાં રહેતાં કામગીરી અટકી પડી હતી.

અનેક સ્થળે ઝાડ વચ્ચે રાખીને કામગીરી આગળ વધારી
બે વર્ષથી ચાલતી કામગીરીમાં વધુ મોડુ ન થાય તે માટે ત્રણેય રોડ પર અનેક સ્થળે વચ્ચે આવતા ઝાડ યથાસ્થિતિમાં રાખીને જ કામગીરી આગળ વધારાઈ છે. જેને પગલે જ્યારે પણ મંજૂરી મળે ત્યારે ઝાડ કાપીને ખૂટતી કામગીરી ઝડપી થઈ શકે. મળેલી માહિતી મુજબ ત્રણેય સ્માર્ટરોડમાં અંદાજે કુલ 264 જેટલા વૃક્ષો કપાશે. ત્યારે ગ માર્ગ પર ગ-2થી ગ-0 વચ્ચે વૃક્ષોની સંખ્યા વધુ છે, જેને પગલે વધુ કામગીરી થઈ શકતી નથી. જેને પગલે કામગીરી અસર થઈ છે.

રાજ્યમાં નમૂનારૂપ બને તેવા સ્માર્ટ રોડ!
સમગ્ર રાજ્યમાં નમૂનારૂપ બને તેવા સ્માર્ટ રોડ પાટનગરમાં તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ત્રણેય રોડની પહોળાઈ વધારવાની સાથે તેની બાજુમાં સાઈકલ ટ્રેક અને ફૂટપાથ ઉભી કરાશે. સાઈકલ ટ્રેક, ફૂટપાથ અને ડક્ટ બનાવાય છે. જેથી વીજળીના વાયર, ગેસની પાઈપલાઈન કે અન્ય કેબલ ખુલ્લામાં ન દેખાય અને કોઈ એક સુવિધામાં ફોલ્ટ ઊભો થાય ત્યારે ખાડા ન ખોદવાના બદલે માત્ર ડક્ટના સાંધા ખોલવાથી સમસ્યાનું નિવારણ આવી શકે. સ્માર્ટ રોડનો કન્સેપ્ટ ત્રણ સ્થળે સફળ થાય તો સમગ્ર ગાંધીનગરમાં તેનો અમલ કરવાની તૈયારી તંત્ર દ્વારા છે.

અન્ય સમાચારો પણ છે...