જિલ્લાનાં ગામડાંમાં સીસીટીવી કૅમેરા અને એલઈડી લાઇટ લગાવવાનાં રૂ. 3.17 કરોડનાં 131 કામ 2 વર્ષથી અટકી પડ્યાં છે. વીજકંપની પાસે જ આ બંને કામ કરાવવા માટે વિકાસ કમિશનરે આદેશ કર્યો છે. બીજી તરફ આ કાર્યો પાતાને હસ્તક ન આવતાં હોવાનું અને એ માટે કર્મચારીઓ ન હોવાનું ગાણું વીજકંપની ગાય છે. વર્ષ 2020-21નાં રૂ. 218.45 લાખનાં 86 કામ અને વર્ષ 2021-22 દરમિયાન રૂ. 99.15 લાખનાં 45 કામ અટકી પડ્યાં છે.
ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી જેવી જ સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે નાણાપંચ અંતર્ગત ગ્રાન્ટ ફાળવી છે, જેમાં 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી સીસીટીવી કૅમેરા અને એલઈડી લાઇટનાં કામો યુજીવીસીએલ દ્વારા વીજળીકરણનાં કામોને લગતી તાંત્રીક મંજુરી બાદ જ કામગીરી કરવાનો વિકાસ કમિશનરે પત્ર કર્યો છે. આથી જિલ્લામાં ગત વર્ષ-2020-21 અને વર્ષ-2021-22ના એલઇડી અને સીસી કેમેરાના કામો અટકી પડ્યા છે. 2 વર્ષમાં સીસીટીવી કૅમેરા અને એલઈડી લાઇટનાં 3.17 કરોડનાં 131 કામ અટકી પડ્યાં છે.
2 વર્ષમાં જિલ્લા-તાલુકા કક્ષાનાં અટકી પડેલાં કામ
જિલ્લા પંચાયતમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરની ભરતી કરવી જોઈએ
જિલ્લા પંચાયતમાં સિવિલ એન્જિનિયરની ભરતી કરવામાં આવે છે. જોકે મોટા ભાગનાં વિકાસ કામો સિવિલ એન્જિનિયરને લગતા હોવાથી ઈલેક્ટ્રિક એન્જિનિયરની ભરતી કરાતી નથી. જોકે 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી સીસીટીવી કૅમેરા અને એલઈડી લાઇટનાં કામો વીજકંપની પાસે જ કરાવવાનો વિકાસ કમિશનરે આદેશ કર્યો છે. આથી જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતી કરવાની માંગ સદસ્યોમાં ઊઠી છે.
વડી કચેરી આદેશ કરશે તો કામગીરી કરીશું
વિકાસ કમિશનરના આદેશ અંગે યુજીવીસીએલના એડિશનલ ચીફ એન્જિનિયર આર. ડી. ઝાલાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ કામગીરી અમારે કરવાની થતી નથી. ઉપરાંત અમારી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ કચેરીને લખીને મોકલાવ્યું છે. અમારી કોર્પોરેટ કચેરી કહેશે તો અમે કામ કરીશું. તેમ છતાં એસ્ટીમેટ એપ્રુવ કરવાનું બિલો મંજૂર થાય પછી વર્કનું મોનીટરીંગ કરવા માટે અમારી પાસે સ્ટાફ જ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.