• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Website Of The Department Of Agriculture States, 'Government Can Provide Assistance If It Wishes'; Asking Minister Raghavji, He Said There Is No Consideration In The Matter Of Compensation.

સરકારી વેબસાઇટ સાચી કે મંત્રી?:કૃષિ વિભાગની વેબસાઇટમાં લખ્યું છે કે, ‘સરકાર ઇચ્છે તો સહાય આપી શકે’; મંત્રી રાઘવજીને પૂછતા કહ્યુ - વળતર મામલે કોઇ જ વિચારણા નહીં’

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાઘવજી પટેલ, કૃષિ મંત્રી - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાઘવજી પટેલ, કૃષિ મંત્રી - ફાઇલ તસવીર
  • ગાયોનો મૃત્યુ આંક વધી રહ્યો છે ને સરકાર કહે છે હજુ 1565ના જ મોત !

રાજયમાં 18 જિલ્લાના ગૌવંશમાં પ્રસરેલો લમ્પી વાઇરસનો રોગ હવે 20 જિલ્લામાં પ્રસરી ગયો છે તેમ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે, અત્યાર સુધીમાં 2083 ગામમાં રોગ પ્રસરી ગયો છે અને 1565 ગૌવંશના મોત થયા છે. આમ છતા કૃષિ મંત્રીએ કોઇપણ પ્રકારની નાણાંકીય સહાયની વિચારણા ન હોવાનું જણાવ્યું હતું.

સિક્કાની બીજી બાજુ, રાજયના કૃષિ અને પશુપાલન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જ અકસ્માતે પશુ વળતર સહાયમાં મહારોગચાળા સમયે વળતર આપવાની જોગવાઇ હોવા છતાં રાજ્ય સરકારે કોઇ વળતર જાહેર ન કરતા પશુપાલકો-ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગૌવંશને ખાડા ખોદીને, મીઠું નાખીને નિકાલ કરવાનો હોય છે, તેમ પશુપાલન નિયામકે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, મીઠું સાથે બાયોકયુલમ કે સેનીટ્રેટ જેવી દવાઓ પણ નાખવાની હોય છે. એકંદરે મૃતદેહના નિકાલ માટે લાઇમ, સોલ્ટ, જંતુનાશક દવા નાખવાની ગાઇડલાઇન છે.

કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી રાજયના કુલ 20 જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. અસરગ્રસ્ત 2083 ગામમાં 55950 પશુઓમાં લમ્પીનો રોગ જોવા મળ્યો છે. તમામ 55950 પશુઓને સારવાર આપવામાં આવી છે.

અત્યાર સુધીનાં અહેવાલ મુજબ રાજયમાં કુલ 1565 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 10 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 7.90 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

મંત્રી રાઘવજી પટેલનું વળતર મુદ્દે નિવેદન
કચ્છ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં સ્થિતિ ખરાબ છે. કચ્છના ગામડાઓમાં તો એક એવું ગામ નથી કે જયાં લમ્પી રોગ થયો ન હોય અને એક ગામડું એવું નથી કે જયાં ગૌવંશનું મૃત્યુ થયું ન હોય તેવું પશુપાલકોનું કહેવું છે. મંત્રી રાઘવજી પટેલેને પૂછવામાં આવ્યું હતું કે, ગૌવંશના મૃત્યુના કારણે કોઇ વળતર આપવામાં આવશે કે નહીં ? આ પ્રશ્નના જવાબમાં મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, હાલમાં અમારી કોઇ વિચારણા નથી.

મંત્રી ના કહે છે, જ્યારે સરકારની વેબસાઇટ મહારોગચાળામાં સહાયની જોગવાઇ હોવાનું કહે છે
રાજય સરકારના કૃષિ અને સહકાર વિભાગની સત્તાવાર વેબસાઇટ કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ પર ‘અકસ્માતે પશુ મૃત્યુ વળતર સહાય’ની જોગવાઇ કરવામાં આ‌વી છે. આ વેબસાઇટમાં જે લખ્યું છે તે મુજબ લમ્પી જેવા મહારોગચાળામાં સરકાર ઇચ્છે તો સહાય આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...