38 હજારથી વધુ સભાસદો ધરાવતી ધી ગાંધીનગર નાગરિક કો. ઓપ. બેંકમાં વહીવટદાર મુકવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. 12 ફેબ્રુઆરીએ યોજનારી ચૂંટણી પર રોક લગાવીને કસ્ટોડીયન નિમવા માટે અરજી થઈ હતી. જેની સામે બેંકના પૂર્વ હોદ્દેદારો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે મનાઈ હુકમ મળી શકે તેમ ન હોવાનું જણવતા હવે બેંકમાં આગામી સમયે વહીવટદાર મુકાશે તે નક્કી છે.
ઉલ્લેખનિય છે કે 7 સાતેક વર્ષ પછી ગાંધીનગર નાગરિક બેંકની ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત 2020માં જ પૂર્ણ થઈ હતી. જે માટે જાન્યુઆરી-2023માં 15 સભ્યોની વ્યવસ્થાપક કમિટી માટે ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. જેને લઈને 27 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરવાની તારીખ હતી.
જેમાં 9 મહિલાઓ સહિત કુલ 63 ફોર્મ ભરાયા છે, જોકે તેની ચકાસણી થાય તે પહેલાં જ કોર્ટનો કામ ચલાઉ સ્ટે આવી ગયો હતો. જેમાં સંયુક્ત રજિસ્ટ્રાર અને સદસ્ય બોર્ડ ઓફ નોમિનીઝ અમદાવાદ વિભાગ દ્વારા ચૂંટણી પર કામચલાઉ મનાઈહુકમ અપાયો હતો. બેંકની ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવીને વહીવટદાર મુકવાની અરજી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં પણ થઈ હતી. જેની સામે પૂર્વ હોદ્દેદારો હાઈકોર્ટમાં ગયા, જેની સુનાવણી દરમિયાન કોર્ટે જિલ્લા રજિસ્ટ્રાર કાયદા પ્રમાણે કાર્યવાહી કરી શકશે તેવો આદેશ આપતા હવે ગાંધીનગર નાગરિક બેંકમાં વહીવટદાર મુકવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
ચૂંટણીની પ્રક્રિયા સામે શું રજૂઆત કરાઈ ?
સંયુક્ત રજિસ્ટ્રાર અને સદસ્ય બોર્ડ ઓફ નોમિનીઝ અમદાવાદ વિભાગમાં નીલેશ પટેલ, દશરથભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ દ્વારા અરજી કરાઈ હતી. જેમાં અરજીકર્તાઓ દ્વારા ખોટી મતદાર યાદી, મતદાર યાદીમાં મૃત્યુ પામેલા મતદારો, મૃત્યુ પામેલા સભાસદો, જિલ્લા કાર્યક્ષેત્રની બહાર રહેતા સભાસદો જેવી બાબતોની રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત ફોર્મ ભરવા માટે ઓછો સમય મળ્યો હોવાની, તથા ચૂંટણીમાં સળંગ 8 વર્ષથી વધુ સમય માટે ડિરેક્ટર રહ્યા છો કે નહીં તેવી વિગત મંગાઈ ન હોવાનો દાવો કરાયો છે. જેની સુનવણીમાં બોર્ડ ઓફ નોમિનીઝ અમદાવાદ વિભાગના સંયુક્ત રજિસ્ટ્રાર અને સદસ્ય દ્વારા ચૂંટણી પર કામચલાઉ સ્ટે આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.