સમગ્ર શહેરમાં 365 દિવસ 24x7 પીવાનું પાણી પુરૂં પાડનારૂં દેશનું પ્રથમ શહેર બનાવવા માટે હાલ કામગીરી ચાલી રહી છે. બે વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે પાટનગરને ભેટ આપતા 229 કરોડની યોજનાનું ખાતમૂર્હુત કરાયું હતું. ત્યારે હાલના સમયે પાઈની લાઈનો નાખવાની 50 ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે.
સમગ્ર પ્રોજેક્ટમાં પાણી વિતરણ માટે 27 કિલોમીટર લંબાઇની બલ્ક લાઇન અને 324 કિલોમીટર કુલ લંબાઇની લૂપ લાઇન બિછાવવામાં આવશે. ત્યારે નાગરિકોની સુવિધા માટે નાખવામાં આવતી પાણીની લાઈનો હાલ તો દુવિધા બની રહી છે. શહેરમાં ઠેર-ઠેર પાણીની લાઈનો નાખવા માટે રસ્તા તોડી દેવાયા છે, રસ્તા તોડ્યા બાદ યોગ્ય પુરાણના અભાવે મોટાભાગના સ્થળે ખાડા પડી ગયા છે. અનેક સ્થળે રસ્તા પર જ માટીના પગલે વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આવી જ એક ફરિયાદને પગલે શહેરના મેયર હિતેશ મકવાણાને આજે દોડવું પડ્યું હતું. પંચદેવ સામે જ સેક્ટર-21 તરફ જવાના રસ્તા પર રસ્તા પર ખોદકામ કર્યા બાદ આડેધડ પુરાણ કરી દેવાયું હતું. રસ્તા પર જ માટીના ઢગલા સાથે ખાડો પડી ગયો હતો. જેને પગલે મેયર હિતેશ મકવાણા ખરા બપોરે સ્થળ પર પહોંચ્યા હતા. તેઓે કોન્ટ્રાક્ટરને બોલાવીને આડેધડ કામગીરી મુદ્દે ઠપકો આપીને રસ્તો સરખો કરવા માટે આદેશ કર્યો હતો. જેને પગલે અધિકારીઓ-નાગરિકોને ન ગાઠતા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક જેસીબી બોલાવીને માટી હટાવીને રસ્તા તૂટેલા રસ્તા પર સીમેન્ટથી કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.