સમસ્યા:પેથાપુર-મહુડી હાઈ વેની ધીમી ગતિએ ચાલતા કામથી ગ્રામજનો ત્રસ્ત થયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોથી ઊડતી ધૂળથી લોકો શરદી, કફ અને ઉધરસનો શિકાર બન્યા

પેથાપુર મહુડી રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. એક વર્ષ કરતા વધારે સમયથી મંથરગતિએ ચાલતી કામગીરીને લઇને આસપાસના ગ્રામ્ય વિસ્તારમા રહેતા નાગરિકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખોદકામ કર્યા બાદ તેની ઉપર રાખ નાખવામા આવતા વાહનોની અવર જવરથી તેની ડમરીઓ ઉડી રહી છે. પરિણામે આસપાસમા રહેતા નાગરિકોના ઘરમાં ઉડીને જતા શરદી, કફ અને ઉધરસના શિકાર બનવા લાગ્યા છે. ગાંધીનગર શહેર અને આસપાસમાંથી પસાર થતા રોડ રસ્તાઓને પહોળા કરવા અને તેની સમારકામની કામગીરી ચાલી રહી છે.

પરંતુ સરકારી કામ કાચબાની ગતિએ ચાલવાના કારણે અનેક વાહન ચાલકો તથા આસપાસના નાગરિકોને તેની હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે હાલમા ગાંધીનગર પેથાપુર મહુડી રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. રોડની બંને સાઇડનુ ખોદકામ કરાયા બાદ તેના ઉપર પુરાણ કરીને કોન્ટ્રાક્ટર દિવાળી પહેલા જાદુગરની જેમ ફરાર થઇ ગયા છે. પરિણામે રોડ સાઇડમા આવેલા ખેતરમા રહેતા અને ગામમા વસતા નાગરિકોને યાતનાઓ વેઠવી પડી રહી છે.

પિંપળજ ગામના આગેવાનોએ રોડની મંથરગતિએ ચાલતી કામગીરીને લઇને કહ્યુ હતુ કે, દિવાળી પહેલાથી રોડની બંને સાઇડમા ખોદકામ કરાયા બાદ તેના ઉપર રાખ નાખવામા આવી છે. જે વાહનો ત્યાંથી પસાર થાય ત્યારબાદ રાખની ડમરીઓ ઉડીને સીધી ઘરમા આવી રહી છે. પરિણામે અનેક નાગરિકોને બેવડા મારનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ વાઇરલ ઋુતુ પરેશાન કરી રહી છે. બીજી તરફ હવામા ઉડતી રાખના કારણે ગ્રામજનોને શરદી, કફ અને ઉધરસનો શિકાર બનાવી રહી છે.

ગામલોકોની રજુઆત બાદ પણ ઝડપ લવાતી નથી. અત્યાર સુધી માત્ર વાહન ચાલકો હેરાન થતા હતા. પરંતુ હવે ગામલોકો પણ યાતનાઓ વેઠી રહ્યા છે. સરકાર અને કામગીરી કરતા વિભાગના અધિકારીઓને અમે ચેતવણી આપી રહ્યા છીએ કે, જો આગામી બે મહિનામા જ્યાંથી ગ્રામજનોની અવરજવર અને રહેણાંમ વિસ્તાર આવેલા છે ત્યાની કામગીરી પૂર્ણ કરવામા નહિ આવે તો આંદોલન કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...