આગમાં ખાખ થયેલી જિલ્લા પંચાયતની આંકડાશાખામાં રિનોવેશન કરીને હાલમાં શાખા કાર્યરત થઇ ગઇ છે. તેમ છતાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને બેસવા માટે ચેમ્બર ફાળવવામાં આવી નથી. જેને પરિણામે ઉપપ્રમુખને પ્રમુખની કચેરીમાં બેસવાની ફરજ પડી છે. જોકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સ્વેચ્છાએ પોતાની ઓફિસને નાયબ ડીડીઓને આપી હતી. ગાંધીનગર જિલ્લા પંચાયતના આંકડાશાખા વિભાગમાં આગ લાગવાથી સમગ્ર ઓફિસ ખાખ થઇ ગઇ છે. જોકે તેનું લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત રિનોવેશન થયેલા વિભાગને તત્કાલીન પંચાયત મંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે જિલ્લા પંચાયતના આંકડાશાખામાં આગજની ઘટનાને પગલે અલગ અલગ વિભાગની શાખાના અધિકારીઓને બેસવાની તકલીફ પડતી હતી. તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નવા નાયબ ડીડીઓ મુકવામાં આવતા તેમના માટે ઓફિસ જરૂરી હતી. જેને પરિણામે ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સ્વેચ્છાએ પોતાની ઓફિસને નવા આવેલા નાયબ ડીડીઓ માટે આપી દીધી હતી.
પરંતુ હાલમાં આંકડાશાખામાં આઇસીડીએસ સહિતની શાખાઓ કાર્યરત થઇ ગઇ હોવા છતાં ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને પોતાની મૂળ જૂની ઓફિસ પરત મળતી નથી. આથી ઉપપ્રમુખને હજુ પણ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખની ઓફિસમાં બેસવાની ફરજ પડી છે. જેને પરિણામે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હાલમાં ઓફિસ વિનાના જ રહ્યા છે.
જોકે આગામી તારીખ 12મી, જાન્યુઆરી-2023ના રોજ મળનારી સામાન્ય સભામાં ઉપપ્રમુખ માટે ઓફિસ માટે કોઇ જાહેરાત કે ઠરાવ કરવામાં આવે છે કે નહી તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ હાલમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખને પોતાની ઓફિસ માટે હજુ રાહ જોવાની ફરજ પડી છે. ત્યારે ઉપપ્રમુખની ઇંતજારી ક્યારે પૂરી થશે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.