વિકાસમાં બેદરકારી:7 મહિના પહેલાં શરૂ કરાયેલા ઘ-4ના અંડરપાસની 5 વખત લોખંડની જાળી તૂટી

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘ-4ના અંડરપાસમાં સોમવારે મોડી સાંજે જાળી તૂટી જતાં મૅયર દોડી આવ્યા હતા. - Divya Bhaskar
ઘ-4ના અંડરપાસમાં સોમવારે મોડી સાંજે જાળી તૂટી જતાં મૅયર દોડી આવ્યા હતા.
  • ‘આવું કામ ન ચાલે’ લોકોની સમસ્યા જોઈ દોડી આવેલા મૅયરે અધિકારીઓને તતડાવ્યા

પાટનગરમાં ઘ-4ના અંડરપાસની રેલિંગ સોમવારે મોડી સાંજે તૂટી જતાં વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. આ કારણે અંડરપાસ નજીક ટ્રાફિક જામ થયો હતો. જોકે ઘટનાની જાણ થતાં મૅયર સ્થળ પર દોડી ગયા હતા અને બેદરકારીભર્યા કામ માટે અધિકારીઓને તતડાવ્યા હતા. અંડરપાસની શરૂ થયાને સાતેક મહિના થયા છે ત્યારે આ 7 મહિનામાં અંડરપાસની જાળી 5થી વધુ વખત તૂટી ગઈ છે. ત્યારે ફરી એકવાર ઘ-5થી ઘ-3 તરફ જતાં અંડરપાસની શરૂઆતમાં જ લોખંડની જાળી તૂટીને ઊપસી આવી છે.

સમસ્યા
સમસ્યા

જેને વાહનચાલકો માટે જોખમી બની ગઈ છે, જેમાં ટૂ વ્હીલર ચાલકોને પડી જવાનો ભય હતો ત્યારે અન્ય વાહનનો ટાયરને સીધી રીતે નુકશાન થાય તેવી ભીતી હતી. જોખમી રીતે ઉપસી આવેલા જાળીને પગલે લોકોને પડતી મુશ્કેલીને જોતા મેયર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. મૅયર હિતેષ મકવાણાએ હાજર અધિકારી અને એજન્સીના લોકોને તતડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઉકેલ!
ઉકેલ!

જેમાં મૅયરે ‘આવું કામ ન ચાલે તાત્કાલિક સરખું કરાવો’ કહેતાં તંત્ર દોડતું થયું હતું. સમસ્યાને પગલે ટ્રાફિક પીઆઈ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ લોકો માટે જોખમી બનેલી જાળી પર ઝાળની ડાળીઓ મૂકીને એટલો ભાગ બંધ કરાયો હતો. ટ્રાફિકની સમસ્યાને જોતા ટ્રાફિક જવાને ખડેપગે રહીને વાહનોને સાઈડમાં જવા માટે કહ્યું હતું.

ઘ-4નો અંડરપાસ તંત્ર માટે સમસ્યાઓ જ લાવ્યો છે!
માર્ચમાં અંડરપાસ શરૂ થયાને થોડા જ દિવસોમાં જાળીઓ તૂટવા લાગી હતી. જેને પગલે અંડરપાસનો એક તરફનો રસ્તો બંધ કરીને કામગીરી કરવાની નોબત આવી હતી. અંડરપાસ ખુલ્યાને માંડ 25 દિવસ થયા હતા અને રસ્તાના સાંધાઓ પર ખાડા પડવા લાગ્યા હતા. અધૂરાકામ વચ્ચે લોકાર્પણ થયા બાદ અંડરપાસ વાવાઝોડા સમયે પડેલાં વરસાદમાં સ્વિમિંગ પુલ બની ગયો હતો. સ્માર્ટ સિટીના નામે 35 કરોડ જેટલા ખર્ચે બનેલા અંડરપાસની કામગીરી મુદ્દે અનેક આક્ષેપો છતાં મનપા તંત્ર અત્યાર સુધી માત્ર એજન્સીના બચાવમાં જોવા મળ્યું છે. પ્રથમવાર મૅયરે કામગીરી સામે સવાલો ઊભા કરીને તાત્કાલિક કામગીરી કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...