પોલીસની ઢીલી કામગીરી:માણસાનાં રીદ્રોલમાંથી પકડાયેલો ચોર રીઢો ગુનેગાર હોવા છતાં પોલીસ ચૂપચાપ બેસી રહી, ખંજર -કોશ લઈને ઘરમાં પ્રવેશ્યો હતો

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડધી રાત્રે પોલીસ પહોંચી પણ ફરિયાદ નોંધવામાં આળસ કરતી રહી
  • પાડોશીઓની ફરિયાદ પોલીસે ન લીધી
  • બીજા દિવસે મકાન માલિક રૂબરૂ ગયા પછી ફરિયાદ દાખલ કરાઈ

ગાંધીનગરના માણસા તાલુકાના રીદ્રોલમાં બંધ મકાનમાંથી પકડાયેલો ચોરને પોલીસ રાત્રે જ પકડી ગઈ હોવા છતાં ફરિયાદ દાખલ કરવામાં આળસ દાખવીને બીજા દિવસે કાનૂની કાર્યવાહી કરાઈ હોવાની રહીશોમાં બુમરાણ ઉઠવા પામી છે. રાત્રિ દરમિયાન ઘરમાં ઘૂસેલો રીઢો ચોર ખંજર લઈને ઘરમાં પ્રવેશ્યો હોવા છતાં પોલીસ દ્વારા તે દિશામાં પણ હજી કાર્યવાહી કરાઈ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. પાડોશીઓની ફરિયાદ પોલીસે ન લેતાં બીજા દિવસે મકાન માલિક વિષ્ણુભાઈ પટેલ પોલીસ મથકમાં રૂબરૂ ગયા પછી ફરિયાદ દાખલ કરાઈ છે.

ચોર બંધ મકાનમાં મંગળવારે રાત્રે ઘરમાં ઘૂસ્યો હતો

ગાંધીનગરના માણસા તાલુકાના રીદ્રોલ ગામમાં વિષ્ણુભાઈ પટેલના બંધ મકાનમાં મંગળવારે રાત્રીના સમયે ચોર મકાનનું તાળું તોડીને ઘરમાં ઘૂસી ગયો હતો. જેની જાણ પાડોશીઓને થઈ જતાં સમયસૂચકતા વાપરીને બહારથી દરવાજો બંધ કરી દેવાયો હતો. અને મકાનની આગળ અને પાછળ બધા પહેરો કરવા લાગ્યા હતા. જેથી ચોરને બહાર નીકળવા નો મોકો મળ્યો ન હતો. જે પછી ચોર અંદરના રૂમમાં ગોદળામાં જઈને લપાઈ ગયો હતો. ગામમાં ચોર આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે બનાવની જાણ થતાં માણસા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને ઘરમાં તપાસ કરી બૂમ પાડતા ચોર ઊઠીને બહાર આવતાં તેને પકડીને પોલીસ મથકે લઈ ગઈ હતી.

પોલીસે ફરિયાદ નોંધવામાં આળસ કરી

જેનાં પગલે પાડોશીઓ પણ પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને ચોર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. પરંતુ પોલીસે મકાન માલિક કોણ છે તેવા વેધક સવાલો કરીને ફરિયાદ નોંધવામાં આળસ કરી હતી. બીજા દિવસે મકાન માલિક વિષ્ણુભાઈ પટેલ પોલીસ મથકમાં રૂબરૂ ગયા પછી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો આક્ષેપ અહીંના રહીશો દ્વારા કરવામાં આવ્યો છે.

પોલીસે ખંજર કબ્જે કેમ લીધુ?

ગામના રહીશોએ કથિત આક્ષેપ કરતાં ઉમેર્યું હતું કે, રાત્રિ દરમિયાન ઘરમાં ઘૂસેલ વિષ્ણુ ઉર્ફે ગબ્બર દંતાણી (રહે. બદપૂરા) રીઢો ચોર હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેની પાસે તાળું તોડવા માટેની લોખંડની ખાસ બનાવેલી કોશ તેમજ ખંજર પણ હતું. જેમાથી કોશ માત્ર જ પોલીસે કબ્જે લીધી હતી.

ફરિયાદ કેમ મોડી દાખલ થઈ તેની તપાસ કરાવી લઈશ: ના. પોલીસ અધિક્ષક વી.એન. સોલંકી

આ અંગે ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકીએ જણાવ્યું હતું કે, ચોર પકડાયો હોવાની જાણ થઈ છે. ફરિયાદ કેમ મોડી દાખલ થઈ તેની તપાસ કરાવી લઈશ. જોકે, ફરિયાદ તો દાખલ થયેલી છે. ઉપરાંત ખંજર કેમ ખંજર બાબતે પણ તપાસ અધિકારીને પૂછીને આગળની હકીકત જણાવી શકીશ.

વધુમાં માણસા પોલીસ મથકના પીએસઆઇ મહેશ જોશીએ રહીશોના કથિત આક્ષેપ અંગે જણાવ્યું હતું કે, ફરિયાદ મોડી નોંધવામાં એવું કશું નથી. જોકે, પકડાયેલો ચોર રીઢો ગુનેગાર છે. જેનાં વિરુદ્ધમાં 14 ઘરફોડ ચોરીના હિંમતનગર, બનાસકાંઠા અને ગાંધીનગરમાં નોંધાયેલા છે. જેને રાત્રે ચોરી કરવા માટે મુકી જનાર તેના સાથીદાર પણ ધરપકડ કરી લેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...