નિર્ણય:સમિટ મોકૂફ રહેતાં ટ્રેડ શો માટેની તૈયારી માથે પડી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકેલો મંડપોનો સંકેલો કરાયો
  • ટ્રેડ શોમાં સ્ટોલધારકોએ ફર્નિચર, લાઇટિંગમાં કરેલો લાખોનો ખર્ચ પાણીમાં ગયો

ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના વધતા કેસો વચ્ચે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ગ્લોબલ ટ્રેડ શો માટેની મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ હતી ત્યારે સમિટના આડે 4 જ દિવસ બાકી હતા ત્યારે રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરતાં આ અંગેની તમામ તૈયારીઓ માથે પડી હતી. સમિટ મોકૂફીની સરકારની જાહેરાત બાદ ટ્રેડ શોની અંતિમ તબક્કાની તૈયારીઓ પડતી મૂકી સંકેલો કરવાની શરૂઆત કરાઈ હતી.

સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે 14 ડોમમાં નાના-મોટા 200 સ્ટોલની કામીગીરી પણ પૂર્ણતાના આરે હતી. જોકે સમિટ સાથે ટ્રેડ શો પણ મોકુફ રહેતાં સ્ટોલ ધારકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટ્રેડ શોમાં વિવિધ યુનિવર્સિટી, કંપનીઓ સહિતના લોકોએ ભાડું ચૂકવીને જગ્યાઓ મેળવી લીધી હતી. ટ્રેડ શોમાં પોતાાના સ્ટોલની થીમ ઉપરાંત ઝાકમઝોળ માટે સ્ટોલ ધારકો હંગામી ફર્નિચર, લાઈટિંગ, બ્યુટિફિકેશન સહિતના કામોમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરી દીધો હતો.

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના વધતા કેસો વચ્ચે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા માટેની અનેક માંગણી થઈ હતી. છતાં સરકારે વાઈબ્રન્ટ સમિટ તો થશે જ કોઈ ખતરો નથી જેવી જાહેરાતો કરી હતી. જેને પગલે સ્ટોલ ધારકો પણ સરકારના ભરોસે લાખો રૂપિયા ખર્ચને તૈયારીઓમાં લાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...