મહત્વનો નિર્ણય:ધો.9થી ધો.12ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી વિષય સામેલ કરવામાં આવશે, કોલેજો-યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે વિવિધ સેમિનાર યોજાશે: શિક્ષણમંત્રી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકે સમય સાથે અપડેટ થઇ સમાજને પણ યોગ્ય દિશામાં અપડેટ કરવાનું કાર્ય કરવું જોઈએ: શિક્ષણમંત્રી
  • ગાંધીનગર ખાતે IITEનો ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો રાજ્યપાલના હસ્તે 725 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
  • શિક્ષકનું કાર્ય સૌથી કઠિન છતાં અનિવાર્ય કારણ કે શિક્ષક જ સમાજ નિર્માણ-ચરિત્ર નિર્માણનું કાર્ય કરે છે: રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલઆચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના ચોથા દિક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભાવિ જીવનની કામના કરી હતી. આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ધો.9થી ધો.12ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી વિષય સામેલ કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમમાં અલગથી પ્રોફેશનલ અભ્યાસક્રમ પસંદ કરતાં હોય છે ત્યારે, સ્વરોજગાર મેળવી શકાય તેવા સાત અભ્યાસક્રમો સામેલ કરવાનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યપાલના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કર્યું છે. જે પૈકી કૃષિ અંતર્ગત પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે.

‘શોધ’ યોજના અંતર્ગત નવા-નવા સંશોધન માટે સહાય અપાશે
રાજ્યના ખેડૂતોનો ખર્ચ ઘટાડી આવક બમણી કરવાની દિશામાં આ અભ્યાસક્રમ ખૂબ ઉપયોગી સાબિત થશે. આવનારા સમયમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની વિવિધ કોલેજો-યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે વિવિધ સેમિનાર યોજાશે. તેમણે ઉમેર્યું હતુ કે, ‘શોધ’ યોજના અંતર્ગત વિવિધ વિષયોના સંશોધકોને નવા-નવા સંશોધન માટે સહાય આપવામાં આવે છે. હવેથી પ્રાકૃતિક ખેતી શાખાના સંશોધકોને પણ ‘શોધ’ યોજના અંતર્ગત સહાય મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

IITEમાંથી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ ગુજરાતનું નામ ઉચ્ચ શિખરે પહોંચાડશે: શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ IITEમાંથી ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, શિક્ષક હંમેશ માટે વિદ્યાર્થી જ છે તેણે સતત ભણતા રહેવું જોઇએ અને સમય સાથે અપડેટ થઇ સમાજને પણ યોગ્ય દિશામાં અપડેટ કરવાનું કાર્ય કરવું જોઈએ. પદવીધારકો જ્યારે સમાજમાં જઇ રહ્યા છે ત્યારે તેમની વ્યવસાયી સજ્જતા અને સમાજ માટે કટિબદ્ધતા હોવી જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનેક નવી પહેલો કરી છે અને કરી રહ્યા છે. IITEમાંથી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ ગુજરાતનું નામ વધુ ઉચ્ચ શિખરે પહોંચાડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે પદવી પ્રાપ્ત કરનારા સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતાં કહ્યું કે, આ એક ઐતિહાસિક અવસર છે. મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન અને નેતૃત્વના પરિણામે વર્ષ 2000માં સ્થપાયેલ આ સંસ્થાન આજે વટવૃક્ષ બની ગયું છે. આ યુનિવર્સિટી સામાન્ય યુનિવર્સિટી નહીં પણ અભ્યાસક્રમ સાથે ઈન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ પૂરો પાડીને વ્યક્તિત્વ ઘડતર માટે પણ ઉમદા સેવાઓ આપી રહી છે તેમ આપ એક ઉત્તમ ઉદાહરણ છો. તેમણે ઉમેર્યું કે આઈ.આઈ.ટી.ઈ. એક શિક્ષણ-પ્રશિક્ષણ માટે નવા સિદ્ધાંતો અને નવા નવા આયામો થકી રાષ્ટ્રીય સ્તરે અનેરી નામના મેળવી છે. જે આપણા સૌ માટે ગૌરવ છે. સમાજ ઘડતર અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે આપ સૌ શિક્ષણ વ્યવસ્થાના સુકાની બની અનેરું યોગદાન આપશો એવો મને દ્રઢ વિશ્વાસ છે.

આઈઆઈટીઈના વાઇસ ચાન્સેલર ડૉ.હર્ષદ પટેલે ચોથા પદવીદાન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક વિપરીત સંજોગો આવ્યા છતાં શિક્ષણ સંસ્થાન દ્વારા કાર્ય અવિરતપણે ચાલ્યું. કોરોનાના કપરાકાળમાં સૌથી વધુ અસર શિક્ષણ-પ્રશિક્ષણને થઈ તેમ છતાંય ઓનલાઇન શિક્ષણ દ્વારા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવી તે માટે સૌ શિક્ષકો અભિનંદનને પાત્ર છે. તેમણે પદવી ધારણ કરતાં યુવાઓ-વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આપ સૌ ભારત અને ગુજરાતની આવતીકાલ છો ત્યારે, સમાજજીવન અને રાષ્ટ્રમાં ઉમદા સેવાઓ આપી પોતાની કારકિર્દી ઘડશો એવો મને દ્રઢ વિશ્વાસ છે.

રાજ્યપાલના હસ્તે 725 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
આ સમારોહમાં રાજ્યપાલના હસ્તે 725 જેટલા વિદ્યાર્થીઓને બી.એ., બીએડ., બી.એસસી.,બીએડ., એમ.એ., એમ.એસસી., એમ.એસ.સી., એમ.એડ., એમ.એ. અને એમ.એસસી. ઇન એજ્યુકેશનની પદવી એનાયત કરાઇ હતી. આ ઉપરાંત આઈઆઈટીઈમાંથી શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધન અભ્યાસ પૂર્ણ કરનાર સૌપ્રથમ 3 રિસર્ચ સ્કૉલરને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ તમામ ફેકલ્ટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ વિજેતાને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE) ગાંધીનગરના ડીન ડૉ. કલ્પેશ પાઠક, IITEના રજિસ્ટ્રાર ડૉ.હિમાંશુભાઈ પટેલ, IITEના એકેડેમિક અને એકયુઝકેટિવ કાઉન્સિલના સભ્યો, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, શિક્ષણવિદો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...